Article 3 Constitution India: કોઈ રાજ્યનું નામ કેવી રીતે બદલી નાખે છે સરકાર? કામ આવે છે બંધારણનો અનુચ્છેદ 3, જાણો તે શું છે

Arati Parmar
4 Min Read

Article 3 Constitution India: દેશમાં અવારનવાર શહેરોના નામ બદલવાની વાત તો તમે સાંભળી હશે પરંતુ રાજ્યોના નામ પણ બદલવામાં આવે છે. હમણાં તાજેતરમાં જ કેરળનું નામ ‘કેરલમ’ કરવાના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને ત્યારબાદથી આ ચર્ચા તેજ થઈ ગઈ છે કે સરકાર કોઈ રાજ્યનું નામ કેવી રીતે બદલી નાખે છે અથવા તો આ અધિકાર કોની પાસે હોય છે. જોકે, નામ બદલવાની પ્રક્રિયા બંધારણના અનુચ્છેદ 3 હેઠળ થાય છે અને આ અધિકાર બંધારણ હેઠળ સરકાર પાસે છે. આ વિષય આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ માટે પણ મહત્વપૂર્ણ છે, તેથી આર્ટિકલમાં જાણો કે બંધારણનો અનુચ્છેદ 3 શું છે અને સરકાર કોઈ રાજ્યનું નામ કેવી રીતે બદલી નાખે છે.

બંધારણનો આર્ટિકલ 3 શું છે?

બંધારણનો આર્ટિકલ 3 (અનુચ્છેદ 3) સંસદને એ અધિકાર આપે છે કે તે કોઈપણ રાજ્યની સીમા, વિસ્તાર કે નામમાં ફેરફાર કરી શકે છે. આ જ અનુચ્છેદના આધારે સંસદ નવું રાજ્ય બનાવી શકે છે, બે કે તેથી વધુ રાજ્યો અથવા તેમના ભાગોને ભેગા કરીને નવું રાજ્ય બનાવી શકે છે. કોઈપણ રાજ્યનો વિસ્તાર વધારી કે ઘટાડી શકે છે, તેની સીમાઓમાં પરિવર્તન કરી શકે છે અથવા તેના નામમાં ફેરફાર કરી શકે છે. જોકે આ મુજબ, એવો કોઈ પણ ખરડો (બિલ) સંસદમાં ત્યાં સુધી રજૂ કરી શકાતો નથી જ્યાં સુધી રાષ્ટ્રપતિની મંજૂરી ન મળી જાય.

- Advertisement -

સરકાર કેવી રીતે બદલી નાખે છે કોઈ રાજ્યનું નામ?

જે રાજ્યનું નામ બદલવાનું હોય તો તેની પાછળનું કારણ જણાવવું પડે છે. જો કેન્દ્ર સરકાર કોઈ રાજ્યના પ્રસ્તાવને મંજૂરી આપે છે તો પ્રક્રિયાને આગળ વધારી શકાય છે. જોકે, સરકાર દ્વારા કોઈપણ રાજ્યનું નામ બદલવાનો નિર્ણય સીધો નથી હોતો પરંતુ બંધારણ અને એક પ્રોસેસ મુજબ હોય છે, જેને અહીં સમજી શકાય છે-

  • સંબંધિત રાજ્યની વિધાનસભા નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરે છે અને પછી તેને કેન્દ્ર સરકારને મોકલે છે.

  • કેન્દ્રીય કેબિનેટ આ પ્રસ્તાવને મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે કેરળના કિસ્સામાં આ પગલું પહેલા જ લેવામાં આવી ચૂક્યું છે.

  • ત્યારબાદ રાષ્ટ્રપતિ તે પ્રસ્તાવને રાજ્યની વિધાનસભા પાસે મોકલશે અને અભિપ્રાય માંગશે.

  • વિધાનસભાએ નિર્ધારિત સમયમાં પોતાનો અભિપ્રાય આપવો પડશે.

  • રાજ્યનો અભિપ્રાય મળ્યા બાદ, રાષ્ટ્રપતિની ભલામણ પર આ ખરડો લોકસભા અને રાજ્યસભા (સંસદ) માં રજૂ કરવામાં આવશે.

  • આ બિલ પસાર કરવા માટે વિશેષ બહુમતીની જરૂર નથી, અડધાથી વધુ સાંસદોનું સમર્થન જ પૂરતું હોય છે.

  • બંને ગૃહોમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી સાથે રાજ્યનું નામ બદલાઈ જાય છે.

  • જોકે, આ પ્રક્રિયામાં ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલય દ્વારા ભારતીય સર્વેક્ષણ વિભાગ, ઇન્ટેલિજન્સ બ્યુરો, રજિસ્ટ્રાર જનરલ અને પોસ્ટ વિભાગ જેવી ઘણી સરકારી એજન્સીઓ પાસેથી પણ પરવાનગી (NOC) લેવામાં આવે છે.

કોની પાસે છે રાજ્યનું નામ બદલવાનો અધિકાર?

ભારતના બંધારણ મુજબ કોઈપણ રાજ્યનું નામ બદલવાનો અધિકાર સંસદ પાસે હોય છે. ઉદાહરણ તરીકે જોવામાં આવે તો તાજેતરમાં જ કેરળ સરકારે ભારત સરકારને બંધારણના અનુચ્છેદ 3 મુજબ ‘કેરળ’ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે વિનંતી કરી હતી. ત્યારબાદ જ ગૃહ મંત્રાલયમાં કેરળ (Kerala) રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ (Keralam) કરવાના વિષય પર વિચાર કરવામાં આવ્યો હતો અને કેન્દ્રીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જોકે, આ પહેલા પણ ઘણા રાજ્યોના નામ બદલવામાં આવ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા અને કર્ણાટક વગેરે છે. આ રાજ્યોના પહેલા કંઈક અન્ય નામ હતા પરંતુ સમયાંતરે તેમના નામ બદલવામાં આવ્યા.

- Advertisement -
Share This Article