Canada IRCC Job Rules: PGWP વિવાદ વચ્ચે IRCCનું સ્પષ્ટીકરણ, કેનેડામાં નોકરી કરતા વિદ્યાર્થીઓએ રાખવી પડશે આ બાબતોની ખાસ કાળજી
Canada IRCC Job Rules: કેનેડામાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. તેમના કોર્સનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે તેઓ PGWP માટે પાત્ર નથી. વર્ક પરમિટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાના ઇમિગ્રેશન વિભાગે વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે, જે હાલમાં કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી કરવાની યોજના બનાવી રહ્યા છે.
ઇમિગ્રેશન, રિફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન નોકરી સંબંધિત નિયમોનું કડક પાલન કરવું જોઈએ. IRCC એ ચેતવણી આપી કે પરવાનગી વિના કામ કરવાના ગંભીર પરિણામો આવી શકે છે, જેમ કે ભવિષ્યમાં પરમિટ ન મળવું અથવા કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવવું. કેનેડા ગેરકાયદેસર રીતે પાર્ટ-ટાઇમ નોકરી કરવા અંગે ખૂબ કડક વલણ ધરાવે છે. તેનું કહેવું છે કે નોકરી કરતી વખતે ઇમિગ્રેશન સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કેનેડામાં ભારતીયોને મળ્યો નહીં વર્ક પરમિટ
IRCCનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેલગરી, કેનેડાના પોર્ટેજ કોલેજે IRCC દ્વારા વર્ક વિઝા નામંજૂર કરવામાં આવ્યા બાદ વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને કાનૂની સલાહ લેવા જણાવ્યું હતું. કોલેજે કહ્યું કે તે આ મામલે સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કેનેડાની આ કોલેજમાં લાખો રૂપિયા ફી ચૂકવીને અભ્યાસ કર્યા બાદ પણ સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવામાં આવ્યો નહોતો.
21 જુલાઈએ પોતાની વેબસાઇટ પર શેર કરાયેલા અપડેટમાં કોલેજે જણાવ્યું, ‘પોર્ટેજ કોલેજ આ મુદ્દે સતત સ્પષ્ટતા માગી રહી છે અને જેમ જ નવી માહિતી સામે આવશે, તેમ વિદ્યાર્થીઓને સાચી માહિતી આપવા અને તેમને સતત અપડેટ રાખવા માટે પ્રતિબદ્ધ છે.’
કોલેજે વધુમાં જણાવ્યું કે તેણે આગામી અઠવાડિયે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે વધુ એક બેઠક નક્કી કરી છે. તેમાં આગળની ચર્ચા કરવા, પ્રશ્નોના જવાબ આપવા અને નવી માહિતી શેર કરવાની તક મળશે.
અભ્યાસ સાથે નોકરીને લઈને શું નિયમો છે?
Important information for international students who plan to work while studying:
• You can only work in Canada as an international student if your study permit conditions say you can.
• If you are eligible to work off campus, you can only work up to 24 hours per week while…
— IRCC (@CitImmCanada) July 27, 2026
IRCCએ પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી. તેમાં વિદ્યાર્થીઓને જણાવાયું કે તેઓ માત્ર તેમના સ્ટડી પરમિટની શરતો હેઠળ જ કામ કરી શકે છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું કે પરવાનગી વિના કામ કરવું (પાર્ટ-ટાઇમ હોય તો પણ) ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવી શકે છે. IRCCએ વિદ્યાર્થીઓને પરવાનગી વિના નોકરી કરવાના પરિણામો વિશે પોતાની સત્તાવાર માર્ગદર્શિકા જોવા જણાવ્યું છે. તેમાં દેશમાં પ્રવેશ પર પ્રતિબંધથી લઈને કાનૂની કાર્યવાહી સુધીની સજાનો સમાવેશ થાય છે. IRCCની માર્ગદર્શિકામાં નીચેની બાબતો જણાવવામાં આવી છે.
- તમે કેનેડામાં વિદેશી વિદ્યાર્થી તરીકે ત્યારે જ કામ કરી શકો છો જ્યારે તમારા સ્ટડી પરમિટની શરતો તેની મંજૂરી આપતી હોય.
- જો તમે કેમ્પસની બહાર કામ કરવા માટે પાત્ર હોવ, તો ક્લાસ ચાલુ રહે તે દરમિયાન તમે દર અઠવાડિયે માત્ર 24 કલાક સુધી જ કામ કરી શકો છો.
- નક્કી કરેલી મર્યાદાથી વધુ કામ કરવું તમારા સ્ટડી પરમિટની શરતોનું ઉલ્લંઘન છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે.
જો તમે પણ કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ જ શરતો અનુસાર નોકરી કરો. જો કોઈપણ સંજોગોમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો ભવિષ્યમાં ઇમિગ્રેશન સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ફોલ ઇન્ટેક દરમિયાન હજારો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જઈ રહ્યા છે, જે ત્યાં પાર્ટ-ટાઇમ નોકરી પણ કરશે. આ તમામ વિદ્યાર્થીઓએ આ નિયમોની અંદર રહીને જ નોકરી કરવી પડશે.

