CBSE New Rule: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) તેની પરીક્ષા પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. CBSEએ નિર્ણય લીધો છે કે 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી બીમાર પડી જાય છે અથવા કોઈ કારણસર તે પરીક્ષા આપી શકતો નથી, તો તે ફરીથી પરીક્ષા આપી શકશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે, જેના પર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે.
ટૂંક સમયમાં જાહેર કરાશે ડ્રાફ્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં CBSE અધિકારીઓ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT), કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS), અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવાના ફાયદા અને તેની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
‘બાળકો પર પરીક્ષાનું દબાણ ઘટશે’
આ અંગે શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર બાળકો પર પરીક્ષાનું દબાણ ઘટાડવા માંગે છે અને તેમને સારો સ્કોર કરવાની બીજી તક આપવા માંગે છે. તેથી CBSE બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે. જોકે, વિદ્યાર્થીઓ માટે બંને વખત પરીક્ષા આપવી ફરજિયાત રહેશે નહીં. વિદ્યાર્થીઓએ એક જ પરીક્ષા આપવાની રહેશે. શિક્ષણ મંત્રાલય માને છે કે, આનાથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી શીખવાને બદલે વિષયોની ઊંડી સમજણ વિકસાવવામાં મદદ મળશે અને કોચિંગ પરની નિર્ભરતા પણ ઘટશે.
વૈશ્વિક અભ્યાસક્રમ પણ શરૂ કરશે
આ સુધારાઓના મહત્વને ઉજાગર કરતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ એક તણાવમુક્ત શિક્ષણ વાતાવરણ બનાવવાની દિશામાં જરૂરી પગલું છે. તેમણે કહ્યું કે, પરીક્ષા સુધારણા અને ફેરફારો આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સુધારો પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવામાં મદદ કરશે અને સંતુલિત મૂલ્યાંકન પ્રણાલીને સુનિશ્ચિત કરશે.” રિપોર્ટ અનુસાર, CBSE 2026-27 શૈક્ષણિક વર્ષથી તેની 260 વિદેશી શાળાઓ માટે એક વૈશ્વિક અભ્યાસક્રમ પણ શરૂ કરશે.
સ્કૂલો માટે જાહેર કરાઈ માર્ગદર્શિકા
CBSEએ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પર પ્રતિક્રિયા આપવા માટે સ્કૂલો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્કૂલોએ OECMS પોર્ટલ પર પરીક્ષાના દિવસે ફીડબેક અપલોડ કરવા પડશે. વિલંબિત પ્રતિક્રિયાઓ પર વિચાક કરવામાં નહીં આવે અને CBSEએ સ્કૂલોને વધારાના સવાલો માટે qpobservation@cbseshiksha.in પર ઈમેલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારત અને વિદેશમાં 7,842 કેન્દ્રો પર 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.