Harvard University news: અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હજારો વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફેરવાયું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
ટ્રમ્પ સરકારની શરતો પર ચાલવાનો ઈનકાર હાર્વર્ડ યુનિવર્સિટીને ભારે પડી રહ્યો છે. અગાઉ તેનું ફંડિંગ બંધ કર્યા બાદ હવે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ કરી દીધો છે. જો કે, ટ્રમ્પ સરકારે યુનિવર્સિટી સમક્ષ અમુક શરતો મૂકી છે. જો યુનિવર્સિટી આ શરતો 72 કલાકની અંદર સ્વીકારી લે, તો ત્યાં અભ્યાસ કરતાં લગભગ 6800 જેટલા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે.
ટ્રમ્પ સરકારનો આ શરતોનું પાલન કરવા આદેશ
1. હાર્વર્ડ યુનિવર્સિટીના એવા વિદેશી વિદ્યાર્થીઓનો ઈલેક્ટ્રોનિક, ઓડિયો-વીડિયો રેકોર્ડ કે, જે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થિની દ્વારા પરિસરમાં કે પરિસરની બહાર સત્તાવાર કે ઔપચારિક રૂપે ગેરકાયદે ગતિવિધિઓ સાથે સંકળાયેલા હોય.
2. છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીની અંદર કે બહાર કોઈ વિદેશી વિદ્યાર્થી દ્વારા હાથ ધરવામાં આવેલી હિંસક કે જોખમી ગતિવિધિઓનો રેકોર્ડ રજૂ કરવો.
3. છેલ્લા પાંચ વર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પ્રાંગણમાં કે બહાર અન્ય વિદ્યાર્થીઓ કે યુનિવર્સિટીના કર્મચારીઓને આપવામાં આવેલી ધમકીના ઉપલબ્ધ તમામ રેકોર્ડ રજૂ કરો.
4. હાર્વર્ડ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પરિસરમાં કે બહાર અન્ય કોઈની પણ સાથે થયેલી મારામારી કે ઝઘડા સંબંધિત તમામ રેકોર્ડ.
5. છેલ્લા પાંચ વર્ષમાં પ્રવેશ લેનારા તમામ વિદેશી વિદ્યાર્થીઓના તમામ રેકોર્ડ.
6. છેલ્લા પાંચ વર્ષમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારનો વિરોધ કે આંદોલનમાં સામેલ વિદેશી વિદ્યાર્થી સંબંધિત ઓડિયો-વીડિયો રેકોર્ડ.
કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવના વધવાનું કારણ
હાર્વર્ડ કેમ્પસમાં યહૂદી વિરોધી ગતિવિધિઓને ધ્યાનમાં લેતાં ટ્રમ્પ સરકારે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે. કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવના વધી રહી હોવાનો આરોપ છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડને પોતાના પ્રાંગણમાં હિંસા, યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવા તેમજ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સાથે સમન્વય કરવા જવાબદાર ઠેરવી છે.
હાર્વર્ડમાં ચીનનો દબદબો
વિશ્વની ટોચની યુનિવર્સિટી પૈકી એક હાર્વર્ડ યુનિવર્સિટીમાં 6793 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે તેના કુલ વિદ્યાર્થીઓના 27 ટકા છે. જેમાં ભારતના 788 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે ચીનના 2126 વિદ્યાર્થીઓ હાર્વર્ડમાં અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો હિસ્સો સતત વધી રહ્યો છે. એવામાં ટ્રમ્પ સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ ઉભું કરી શકે છે.