Drone Attack at Moscow Airport: ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ દર્શાવવા માટે ભારતના 6 પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. રશિયામાં મોસ્કો એરપોર્ટ પર ડ્રોન એટેક થતા ડીએમકે સાંસદ કનિમોઝીની સાથે ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે.
ભારતના 6 સાંસદોનું પ્રતિનિધિમંડળ રશિયાના પ્રવાસે
ભારતથી રશિયા ગયેલા પ્રતિનિધિમંડળમાં ડીએમકે સાંસદ કનિમોઝી, સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાય, આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તા, કેપ્ટન બ્રિજેશ, અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરીનો સમાવેશ થાય છે.
રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિથી મોસ્કો તરફ ઉડતા 23 ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, આ સમય દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કેટલાક કલાકો સુધી સ્થગિત કરી દીધી હતી. આ કારણે ભારતીય સાંસદો અને કનિમોઝી કરુણાનિધિને લઈ જતું વિમાન ઉતરી શક્યું નહીં અને હવામાં ચક્કર મારતું રહ્યું. આખરે, ઘણા વિલંબ બાદ વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું.
આ દેશોની યાત્રા કરશે સર્વપક્ષીય સાંસદોના પ્રતિનિધિમંડળ
રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ સર્વપક્ષીય સાંસદોના પ્રતિનિધિમંડળને સુરક્ષિત રીતે હોટેલ પહોચાડ્યું હતું. રશિયાની મુલાકાત બાદ પ્રતિનિધિમંડળ સ્લોવેનિયા, ગ્રીસ, લાતવિયા અને સ્પેનની યાત્રા કરશે.
રશિયા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર છે: કનિમોઝી
મોસ્કો પહોંચતા જ ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે, ‘રશિયા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર છે. અમે હંમેશા રાજદ્વારી મુદ્દાઓ, વેપાર વગેરે પર સાથે કામ કરતા આવ્યા છીએ. એવામાં જ્યારે અમે વારંવાર આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છીએ ત્યારે રશિયાની મુલાકાત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.’
આ અંગે ડીએમકે સાંસદે વધુમાં કહ્યું કે, ‘ભારતના પહલગામમાં થયેલા હુમલા અમે 26 લોકો ગુમાવ્યા, તેથી ભારત સરકાર અને વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતનું વલણ વિશ્વ સામે રજૂ કરવા માટે દેશભરમાંથી વિવિધ પક્ષોના સાંસદોને વિદેશ પ્રવાસે મોકલવાનું નક્કી કર્યું છે.’