USA illegal Immigrants Faces Fines: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ વિરૂદ્ધની કવાયત દિવસેને દિવસે આકરૂ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈમિગ્રેશન ઓથોરિટીએ હાલ અમેરિકામાં વસતાં 4500 જેટલા ઈમિગ્રન્ટ્સને અંદાજે 50 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેમાં અમુક ઈમિગ્રન્ટ્સને 18 લાખ ડોલરનો ઊંચો દંડ કર્યો છે.
ટ્રમ્પ સરકારે આ દંડ ફટકારતી નોટિસ આપવા પાછળનું કારણ અમેરિકામાં ગેરકાયદે વસવાટ જણાવ્યું છે. યુએસ ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે, દેશમાં ગેરકાયદે વસવાટ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો અનુસાર ડિપોર્ટેશનનો આદેશ હોવા છતાં અમેરિકામાં વસવાટ કરવા બદલ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દંડ ફટકારવામાં આવ્યો છે.
30 દિવસમાં આપવાનો રહેશે જવાબ
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા ગેરકાયદે વસવાટ કરતાં લોકોને દંડ ફટકારતી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસનો જવાબ 30 દિવસની અંદર આપવાનો રહેશે. જેમાં ડિપોર્ટેશનનો ઓર્ડરનો અમલ કરવાની પ્રતિજ્ઞા લેતું લેખિત નિવેદન રજૂ કરવાનું રહેશે. અમુક કિસ્સામાં દંડ ન લાગૂ કરવાના માન્ય કારણો પુરાવાઓ સાથે રજૂ કરવાના રહેશે.
રોજના 998 ડોલરનો દંડ
ટ્રમ્પ સરકારે સેલ્ફ-ડિપોર્ટેશનને પ્રોત્સાહન આપવા બોર્ડર સ્ટ્રેટેજીના ભાગરૂપે દંડની જોગવાઈ ઘડી છે. જેમાં ગેરકાયદે વસતાં ઈમિગ્રન્ટસ પર ડિપોર્ટેશનના આદેશને અવગણના કરવા બદલ રોજના 998 ડોલર લેખે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેમાં પાંચ વર્ષનો એક સામટો 18 લાખ ડોલરનો દંડ પણ લાગુ છે. વધુમાં દંડ ચૂકવવામાં નિષ્ફળ રહેનારાઓની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ જોગવાઈ છે.