Pakistan and Balochistan News : પહલગામમાં આતંકી હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીએ પાકિસ્તાન અને પાકિસ્તાની સેનાને વ્યાપક સ્તરે નુકસાન પહોંચાડયું છે. આવા સમયે બલૂચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલોચ લોકો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા તૈયાર છે. મીર યાર બલોચ સહિત અગ્રણી બલોચ નેતાઓએ રિપબ્લિક ઓફ બલુચિસ્તાનની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે અને ભારત તથા સંયુક્ત રાષ્ટ્રને એક સ્વતંત્રત દેશ તરીકે તેમને માન્યતા આપવા માગણી કરી છે.
‘આઝાદ બલૂચિસ્તાન’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને આ ‘આઝાદી’ હાલ પ્રતિકાત્મક હોવા છતાં બલોચ અમેરિકન કોંગ્રેસના મહાસચિવ રઝ્ઝાક બલોચે દાવો કર્યો છે કે બલૂચિસ્તાન પ્રાંત પર હવે પાકિસ્તાન સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી. પાકિસ્તાની સૈનિકો રાતના અંધારામાં રાજધાની ક્વેટા છોડીને બહાર પણ નીકળી શકતા નથી. ચૂંટાયેલા પાકિસ્તાની અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે બલૂચિસ્તાન પર પાકિસ્તાનનું નિયંત્રણ નથી. પાકિસ્તાની સૈનિકો સુરક્ષાના ભયથી સાંજે 5થી સવારે 5 સુધી પેટ્રોલિંગ કરવાનું ટાળે છે.
રઝ્ઝાક બલોચે કહ્યું કે, પાકિસ્તાને બલૂચિસ્તાન પ્રાંતના 80 ટકા ભાગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. આ વિસ્તારો પર હવે બલોચ લોકોનો કબજો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ભારત સહિત વૈશ્વિક સત્તાઓને આઝાદી માટે સંઘર્ષ કરી રહેલા બલોચ લોકોની મદદ માટે આ વિસ્તારમાં શાંતિ સેના મોકલવા વિનંતી પણ કરી છે. ભારત અમને અત્યારે મદદ કરે તો અમારા દરવાજા ખૂલી જશે. તેમણે ચેતવણી પણ આપી કે જો મદદમાં વિલંબ થશે તો પ્રાંતની સ્થિરતા પર અસર થશે અને પાકિસ્તાનની સેના અત્યાચાર પર ઉતરી આવશે.
રઝાક બલોચની વાત સાચી ઠરતી હોય તેમ ભારત સામે ઓપરેશન સિંદૂરમાં ભારે માર ખાધા પછી પાકિસ્તાનના સૈન્યે હવે સ્થાનિક સ્તરે પોતાની છબી સુધારવા માટે તેના નિયંત્રણ હેઠળના બલૂચિસ્તાનમાં લોકો પર અત્યાચાર શરૂ કરી દીધા છે. બલોચ સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈન્યે બલૂચિસ્તાનના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ અને વીજપૂરવઠો કાપી નાંખ્યા છે, જેથી તેમના અત્યાચારો દુનિયા સમક્ષ બહાર આવી ના શકે. પાકિસ્તાની સેના બલોચ બળવાખોરોનો સામનો કરી શકતી નહીં હોવાથી તેમણે આઝાદી માટે શાંતિપૂર્ણ દેખાવો કરતા બલોચ લોકો પર અત્યાચાર શરૂ કર્યા છે. બલુચિસ્તાનની આઝાદીની ચળવળનો મુખ્ય ચહેરો એવાં મહિલા નેતા ડૉ. મહરંગ બલોચની કોઈપણ કારણ વિના લગભગ બે મહિનાથી ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન પાકિસ્તાન માટે વર્ષ 2025 અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. બશિર ઝૈબ જેવા બળવાખોર નેતાઓના નેતૃત્વમાં બલોચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાનની સેના પર હુમલા વધારી દીધા છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ પાકિસ્તાનામાં છેલ્લા પાંચ મહિનામાં સૈનિકો પર જાફર એક્સપ્રેસ ટ્રેન અપહરણ સહિત ૩૫૦થી વધુ મોટા અને ૨૦ નાના હુમલા થયા છે. આ હુમલાઓમાં ૪૦૦ જેટલા સુરક્ષા જવાનોનાં મોત થયા છે.
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાએ ભારે માર ખાધો છે. એવામાં ઓપરેશન સિંદૂર હેઠળ એલઓસી પર ભારતીય સૈન્યે પાકિસ્તાની સેનાને મોટો ફટકો પહોંચાડયો છે. ભારતીય સૈન્યે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના હેડ ક્વાર્ટર સહિત નવ સ્થળે આતંકી અડ્ડાઓનો નાશ કર્યો હતો, જેમાં ટોચના પાંચ આતંકીઓ સહિત ૧૦૦ જેટલા આતંકી માર્યા ગયા છે. આ સિવાય ચાર દિવસ ચાલેલા સંઘર્ષમાં પાકિસ્તાનના ૧૩ સૈનિકોનાં મોત થયા છે અને ૪૦ જેટલા સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.