International Peace Mission: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ કેન્દ્ર સરકાર હવે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લું પાડવાની તૈયારી કરી રહી છે. એવામાં સરકારે તમામ પક્ષોના 40 સાંસદોની એક ટીમ બનાવી છે જેને 7 ડેલિગેશનમાં વહેંચવામાં આવી છે. આ સાંસદો દુનિયાને જણાવશે કે પાકિસ્તાન આતંકવાદનો સૌથી મોટો ગઢ કેવી રીતે છે. હવે પાકિસ્તાને પણ ભારતની પહેલની નકલ કરી છે.
પોતાની વૈશ્વિક કૂટનીતિને મજબૂત બનાવવા માટે તેણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના પ્રમુખ અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પસંદગી કરી છે. શનિવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બિલાવલને આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનનો પક્ષ રજૂ કરવા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી.
પાકિસ્તાનની રણનીતિ અને બિલાવલની ભૂમિકા
બીજી તરફ પાકિસ્તાને બિલાવલના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે, જેમાં પૂર્વ મંત્રીઓ ખુર્રમ દસ્તગીર ખાન, હિના રબ્બાની ખાર અને પૂર્વ વિદેશ સચિવ જલીલ અબ્બાસ જિલાનીનો સમાવેશ થાય છે. બિલાવલે એક X પોસ્ટમાં કહ્યું છે કે, “વડાપ્રધાન શહબાઝ શરીફે મને આંતરરાષ્ટ્રીય મંચ પર શાંતિ માટે પાકિસ્તાનનો પક્ષ રજૂ કરવા માટે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા વિનંતી કરી છે. હું આ જવાબદારી સ્વીકારીને સન્માનિત અનુભવું છું.”
વિશ્લેષકો માનવું છે કે પાકિસ્તાનનો પ્રયત્ન છે કે તે દુનિયામાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરી શકે અને ભારતનીકૂટનીતિક બઢતને સંતુલિત કરી શકે. જોકે ભારતના સંગઠિત અને બહુપક્ષીય પ્રયાસો સામે પાકિસ્તાન દ્વારા આ પહેલની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાત સાંસદો સાઉદી અરેબિયા જશે
સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રથમ જૂથમાં સાત સાંસદોનો સમાવેશ થશે જે ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયાનો પ્રવાસ કરશે. આ જૂથમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે, ફાંગનોન કોન્યાક, રેખા શર્મા, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, સતનામ સિંહ સંધુ, ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા પણ તેમની સાથે રહેશે.
બીજું ગ્રુપ યુકે, ફ્રાન્સ અને જર્મની જશે
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સાંસદોનું બીજું ગ્રુપ યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપ, ઈટલી અને ડેનમાર્કની મુલાકાત લેશે. જેમાં ભાજપ સાંસદ ડી પુંડેશ્વરી, શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, સાંસદ ગુલામ અલી ખટાના, કોંગ્રેસ સાંસદ ડૉ. અમર સિંહ, ભાજપ સાંસદ સમિક ભટ્ટાચાર્ય, એમજે અકબર સામેલ હશે. તેમની સાથે રાજદૂત પંકજ સરન પણ રહેશે.