Computer Science in Canada: ઉચ્ચ શિક્ષણ માટે જ્યારે પણ કોઈ દેશને પસંદ કરવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના ભારતીયો તે દેશો તરફ વળે છે, જ્યાં અંગ્રેજીમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધુ ભારતીયો કેનેડામાં જ ભણવા ગયા છે. નીતિ આયોગે જણાવ્યું કે ૨૦૨૪ માં કેનેડામાં ૪ લાખથી વધુ ભારતીયો ડિગ્રી લેવા ગયા. કેનેડાને હાયર એજ્યુકેશન માટે દુનિયાના સારા દેશોમાં ગણવામાં આવે છે.
વિદેશ જનારા મોટાભાગના ભારતીયો કમ્પ્યુટર સાયન્સ જેવા કોર્સનો અભ્યાસ કરવાનું પસંદ કરે છે. આ કોર્સ માટે તેમની પહેલી પસંદ અમેરિકા છે, જ્યાં મોટી ટેક કંપનીઓ હાજર છે. પરંતુ કેનેડા પણ કમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે સારો દેશ માનવામાં આવે છે. અહીં સ્ટુડન્ટ્સ પાસે અમેરિકાની સરખામણીમાં વધુ સરળતાથી જોબ મેળવવાનો ઓપ્શન પણ રહે છે. એવામાં આવો આજે તે ૫ કારણો વિશે જાણીએ, જેના કારણે કેનેડા જઈને કમ્પ્યુટર સાયન્સ ડિગ્રી લેવી એ સારો નિર્ણય છે.
કેનેડામાં કેમ કરવો CS નો અભ્યાસ?
૧. વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ: કેનેડિયન યુનિવર્સિટીઓ પોતાની હાઈ-ક્વોલિટી એજ્યુકેશન માટે જાણીતી છે. અહીં સ્ટુડન્ટ્સને વર્લ્ડ-ક્લાસ ફેકલ્ટી પાસેથી ભણવાની તક મળે છે. કોર્સ ઇન્ડસ્ટ્રી મુજબ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી સ્ટુડન્ટ્સને સરળતાથી જોબ મળી જાય. સ્ટુડન્ટ્સને કોલેજમાં જ જરૂરી સ્કિલ શીખવવામાં આવે છે.
૨. મોટું ટેક સેક્ટર: કેનેડાનું ટેક સેક્ટર ઘણું સારું ગ્રો (વિકાસ) કરી રહ્યું છે. માઈક્રોસોફ્ટ, એમેઝોન સહિત ઘણી બધી મોટી ટેક કંપનીઓએ અહીં પોતાની ઓફિસ સ્થાપી છે. આ કારણે કુશળ કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ્સની ડિમાન્ડ બની રહે છે. સ્ટુડન્ટ્સને ડિગ્રી લઈને નોકરીઓ માટે ધક્કા ખાવાની જરૂર પડતી નથી.
૩. વર્ક વિઝા મેળવવો સરળ: કેનેડામાં ડિગ્રી લેવા પર સ્ટુડન્ટ્સને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) મળે છે. આના દ્વારા તેઓ ૩ વર્ષ જોબ કરી શકે છે. પછી તેઓ અહીં ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ દ્વારા વર્ક વિઝા મેળવી શકે છે. અમેરિકાના H-1B વિઝાની જેમ આ લોટરીના આધારે પણ મળતો નથી. ફક્ત જોબ ઓફર હોવા પર જ વિઝા મળી જાય છે.
૪. પરમેનન્ટ રેસિડેન્સીનો ચાન્સ: કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓને વસાવવા પર ભાર મૂકવામાં આવે છે, જેથી તેઓ દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકે. પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) દ્વારા સ્ટુડન્ટ્સ પહેલા કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ મેળવે છે. પછી તેમને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (CEC) જેવા પ્રોગ્રામના રસ્તે પરમેનન્ટ રેસિડેન્સી મળી જાય છે.
૫. સુરક્ષિત માહોલ અને ઉત્તમ વર્ક-લાઇફ બેલેન્સ: અમેરિકામાં ગન વાયોલન્સ (બંદૂક હિંસા) એક મોટો મુદ્દો છે. ઘણીવાર તેની ઝપેટમાં ભારતીય વર્કર્સ પણ આવ્યા છે. આ સિવાય ભારતીયો સાથે ભેદભાવની ઘટનાઓ પણ વધી રહી છે. કેનેડામાં એવું નથી, અહીં ભારતીયોનું સ્વાગત કરવામાં આવે છે. અહીંની કંપનીઓ વર્ક-લાઇફ બેલેન્સ પર ખૂબ ભાર પણ આપે છે.
કેનેડાની ટોપ યુનિવર્સિટી
જો તમે કેનેડામાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગો છો, તો તમારી પાસે ઘણી બધી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાનો ઓપ્શન છે. ટોરોન્ટો યુનિવર્સિટી, બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી, વોટરલૂ યુનિવર્સિટી, મેકગિલ યુનિવર્સિટી, મોન્ટ્રિયલ યુનિવર્સિટી, આલ્બર્ટા યુનિવર્સિટી, ક્વીન્સ યુનિવર્સિટી, સાઈમન ફ્રેઝર યુનિવર્સિટી, કાલગેરી યુનિવર્સિટી અને કાર્લટન યુનિવર્સિટી અહીંની ટોપ-૧૦ સંસ્થાઓ છે.

