Gujarat Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધો.૧૦ અને ધો.૧૨ના બન્ને પ્રવાહની પરીક્ષા લેવામાં આવી રહી છે. બન્ને ધોરણ અને ધો.૧૨ના બન્ને પ્રવાહમાં અત્યારસુધીમાં તમામ પેપર એકંદરે સરળ નિકળતાં પરીક્ષાર્થીઓએ હળવાશ અનુભવી હતી. દરમિયાન આજે ધો.૧૦માં સામાજિક વિજ્ઞાનનું પેપર હતું. શાસ્ત્રનું પેપર હોવાથી તે લેંધી હોવાનો પરીક્ષાર્થીઓમાં ભય સતાવતો હતો. પરંતુ, આજે પેપર હાથમાં આવતાં જ વિદ્યાર્થીઓએ રાહત અને હળવાશ અનુભવી હતી. પરીક્ષાર્થીઓના જણાવ્યાનુંસાર સામાજિક વિજ્ઞાાનનું પેપર એકંદરે સરળ અને પાઠય પુસ્તક આધારિત નિકળ્યું હતું. બીજું કે,સામાજિક વિજ્ઞાાનનું પેપર લેંધી હોવાનો ભય હતો જેના બદલે આજે નિકળેલું પેપર એંકદરે સરળ અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ જાય તેમ હોવાથી વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હોવાનું ઉમેર્યું હતું. તેમના જણાવ્યાનુંસાર એક માર્કના બે ત્રણ પ્રશ્નો પુસ્તક આધારિત બેઠા પુછાયા હતા. જો કે, અંગ્રેજી માધ્યમમાં બે પ્રશ્નો ગુજરાતી માધ્યમ કરતા જુદા પડતા હતાં. જયારે પ્રશ્ન ૭માં અંગ્રેજી માધ્યમમાં મલ્ટીપ્લે એટલે કે ગુણતા લખ્યું છે અને ગુજરાતી માધ્યમમાં ભાંગતા લખ્યું છે. આ જ રીતે પ્રશ્ન ૧૦માં ગુજરાતી માધ્યમમાં વૃદ્ધોની મહત્તમ સંખ્યા આપી હતી સામાપક્ષે અંગ્રેજી માધ્યમમાં મેક્સીમમ લખવાનું ભૂલાઇ ગયું હોવાનું વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું.આજે સતત ત્રીજા દિવસે સરળ પેપર વચ્ચે ધો.૧૦માં ૩૧,૫૯૦ વિદ્યાર્થી હાજર અને ૫૯૩ ગેરહાજર રહ્યા હતા. આજે સતત ત્રીજા દિવસે શહેર અને જિલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.
જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજે જીવવિજ્ઞાનનું પેપર હતું. જે પણ સરળ અને પાઠયપુસ્તક આધારિત નિકળતાં વિદ્યાર્થીઓને ઉત્સાહ બેવડાયો હતો.પ્રશ્નપત્રની અંદર પાર્ટ-એ બહુવૈકલ્પિક પ્રશ્નોમાં એકથી બે એમ.સી.ક્યુ.માં વિદ્યાર્થીઓને થોડું વિચારવું પડયું હતું. ઉપરાંત પ્રશ્નપત્રમાં આકૃતિ અને જોડકાવાળા એમસીક્યુ વધારે પૂછ્યા હતા. બધા જ એમસીક્યુ પાઠયપુસ્તકમાંથી સીધા જ પૂછાતાં મોટાભાગના વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં સરળ રીતે તે લખી શક્યા હોવાનું વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું. જયારે,પાર્ટ-બીમાં દરેક વિભાગમાં આકૃતિવાળો પ્રશ્ન હતો જે વિદ્યાર્થીઓએ આકૃતિઓ તૈયાર કરી હતી તેમને આ વિભાગમાં રોકડા માર્ક મળવાની શક્યતા બેવડાઈ જશે તેમ તજજ્ઞાએ જણાવ્યું હતું. જયારે, ધો.૧૨ વિ.પ્ર.માં બ ગુ્રપના મુખ્ય વિષયના પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ સતત ત્રીજા દિવસે વધ્યો હતો. ગુ્રપ-બીના વિદ્યાર્થીઓની મુખ્ય વિષયની પરીક્ષા પૂર્ણ થતાં હવે વિદ્યાર્થીઓ આગામી તા.૨૩એ લેવાનાર ગુજકેટ અને ત્યારબાદ આગામી મે મહિનામાં લેવાનાર નીટની તૈયારીમાં લાગી જશે.તો ધો.૧૨ વિ.પ્ર.માં જીવવિજ્ઞાનમાં ૪,૩૩૦માંથી ૪,૨૮૪ પરીક્ષાર્થી હાજર રહ્યા હતાં અને ધો.૧૨ સા.પ્ર.માં મનોવિજ્ઞાનને પેપર પણ એકંદરે સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ પરીક્ષામાં ૯,૧૧૪માંથી ૮,૯૯૧ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.

