Ahmedabad Hemant Modi Arrest: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં કાયદાની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા એક અતિ શાતિર ગુનેગારને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આશરે ૨૧ વર્ષ જૂના એક હત્યાના કેસમાં કોર્ટે જેને આજીવન કેદની સજા ફટકારી હતી, તે નરાધમ ૧૨ વર્ષ પહેલાં જેલમાંથી પેરોલ મેળવીને ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા માટે તેણે વકીલાત છોડીને સીધો એક્ટિંગની લાઇન પકડી લીધી હતી અને મુંબઈથી લઈને ગુજરાત સુધીની ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝમાં કામ કરવા લાગ્યો હતો. જોકે, કાયદાના લાંબા હાથથી તે વધુ સમય બચી શક્યો નહીં અને ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે છટકું ગોઠવીને તેને દબોચી લીધો છે.
૨૦૦૫માં પાડોશીની હત્યા અને સાતેય આરોપીઓનો કેસ પોતે જ લડ્યો
આ અજીબોગરીબ કિસ્સાની વિગત એવી છે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી દાસની ચાલીમાં રહેતો હેમંત મોદી વ્યવસાયે એડ્વોકેટ (વકીલ) હતો. ગત ૧૨ જૂન ૨૦૦૫ના રોજ પાડોશમાં રહેતા નરેન્દ્ર તામલે ઉર્ફે નન્નો નામના વ્યક્તિ સાથે તેને કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં હેમંત મોદીએ પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને પાડોશીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હેમંત પોતે વકીલ હોવાથી, આ કેસમાં પકડાયેલા પોતાના સહિત તમામ સાતેય આરોપીઓનો કેસ કોર્ટમાં તે પોતે જ લડ્યો હતો. જોકે, ત્રણ વર્ષની સુનાવણી બાદ ૨૦૦૮માં કોર્ટે તમામ સાતેય જણાને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
જેલર સામે અરજીઓ, ડિપ્રેશનનું બહાનું અને મહેસાણા જેલમાંથી પેરોલ જમ્પ
હેમંત મોદી કાયદાનો જાણકાર હોવાથી જેલના નિયમોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતો હતો. સાબરમતી જેલમાં સજા કાપતી વખતે તેણે તત્કાલીન જેલર કેશવ કુમાર સામે અનેક કાનૂની અરજીઓ કરી હતી અને પોતે ભારે ડિપ્રેશનમાં હોવાની ફરિયાદો કરી તંત્રને પરેશાન કર્યું હતું. આ વિવાદોના કારણે તેની બદલી સાબરમતી જેલમાંથી મહેસાણા જેલમાં કરવામાં આવી હતી. સજાના છ વર્ષ વીત્યા બાદ, તેણે વર્ષ ૨૦૧૪માં ગુજરાત હાઇકોર્ટમાંથી ૩૦ દિવસના પેરોલ મેળવ્યા હતા. બસ, આ પેરોલ રજા પૂરી થયા બાદ તે જેલમાં પરત ફરવાને બદલે ત્યાંથી નાસી છૂટ્યો હતો અને પોતાની નવી ઓળખ બનાવવામાં લાગી ગયો હતો.
વકીલમાંથી બન્યો ‘સ્વપ્નિલ મોદી’, મુંબઈ જઈ સાઇડ રોલ મેળવ્યા
જેલમાંથી ભાગ્યા બાદ હેમંતે પકડાઈ જવાની બીકથી પોતાનું સાચું નામ બદલીને ‘સ્વપ્નિલ મોદી’ રાખી લીધું હતું. તેણે પોતાની હેરસ્ટાઇલ અને રહેણીકહેણી પણ સંપૂર્ણ બદલી નાખી જેથી કોઈ તેને ઓળખી ન શકે. કલાનગરી મુંબઈ પહોંચીને તેણે એક્ટિંગ ક્ષેત્રે નસીબ અજમાવ્યું અને તેને જાણીતા કલાકારો સાથે સાઇડ રોલ તથા નાટકોમાં કામ મળવા લાગ્યું. ધીમે-ધીમે તેની હિંમત વધતી ગઈ અને તેણે સાઉથની ફિલ્મો તેમજ ગુજરાતી ફિલ્મોમાં પણ નાના-મોટા રોલ કરવાના શરૂ કર્યા. જો ક્યાંય તેનું સાચું નામ સ્ક્રીન પર આવે તો પોલીસને ખબર પડી જાય, તે ડરથી તે દરેક જગ્યાએ સ્વપ્નિલ નામનો જ ઉપયોગ કરતો હતો.
ઓળખ પુરાવા ન આપતાં સામાજિક કાર્યકરને શંકા ગઈ અને ખેલ ખતમ
થોડા સમય પહેલાં હેમંત અમદાવાદ પરત ફર્યો હતો અને કોટ વિસ્તારમાં ભાડે મકાન રાખીને જાણીતી ગુજરાતી સિરિયલ ‘મોટી બાની નાની વહુ’ માં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સલૂનમાં જઈને પોતે મુંબઈનો મોટો એક્ટર હોવાની શેખી મારતો હતો. પરંતુ, મકાનમાલિકને પોતાના ઓળખના પુરાવા અને દસ્તાવેજો આપવામાં તે કાયમ આનાકાની કરતો હતો. તેની આ શંકાસ્પદ હિલચાલ પર સ્થાનિક સામાજિક કાર્યકરની નજર પડી. આ દરમિયાન એક અન્ય વકીલે પણ સામાજિક કાર્યકરને જણાવ્યું કે આ એક્ટર અગાઉ નાસી છૂટેલા વકીલ હેમંત મોદી જેવો જ દેખાય છે. આ પાકી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પીએમ ધાકડાની ટીમે વોચ ગોઠવી, સિરિયલનું શૂટિંગ પૂરું કરીને ઘરે ફરતા હેમંતને દબોચી લીધો હતો. જૂના શારીરિક નિશાનના ડેટા મેળવતા જ તેની અસલી ઓળખ છતી થઈ ગઈ હતી.

