Harsh Gupta IIT Success Story: સંઘર્ષની મિશાલ: 11માં ધોરણમાં ફેલ થયા પછી પિતા સાથે પાણીપુરી વેચી, હવે IIT રૂરકીમાં મેળવ્યું એડમિશન!

Arati Parmar
4 Min Read

Harsh Gupta IIT Success Story: મહારાષ્ટ્રના ગરીબ પરિવારમાંથી આવતા હર્ષ ગુપ્તાની વાર્તા હાર ન માનવાના જુસ્સા અને સંઘર્ષની વાર્તા છે. હર્ષે 11માં ધોરણમાં ફેલ થયા પછી, ન માત્ર પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો, પરંતુ JEE મેન્સ જેવી અઘરી પરીક્ષા પાસ કરીને મનપસંદ IIT માં એડમિશન મેળવ્યું.

સંઘર્ષની શરૂઆત
એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (IIT-JEE) દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાંની એક છે. દર વર્ષે લાખો યુવાનો એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ કરિયર માટે JEE મેન્સ આપે છે. તેમાંથી માત્ર ટોચના 2.50 લાખ યુવાનોને જ JEE એડવાન્સ્ડ આપવાની તક મળે છે અને ત્યારે જઈને ક્યાંક IIT માં એડમિશન મળે છે. મુંબઈના ગરીબ પરિવારના હર્ષ ગુપ્તા માટે આ બધું સરળ નહોતું.

- Advertisement -

11માં ધોરણમાં નાપાસ થયા પછી લોકો મેણાં મારવા લાગ્યા હતા. તેમ છતાં હર્ષે હાર ન માની અને પિતા સાથે પાણીપુરીની લારી પર કામ કરતા કરતા ન માત્ર JEE પરીક્ષા પાસ કરી, પરંતુ મનપસંદ IIT માં સીટ પણ મેળવી. આ સફળતાની વાર્તા હર્ષના દ્રઢ સંકલ્પ અને સંઘર્ષની છે, જે આર્થિક તંગી હોવા છતાં મોટા સપના જોતા યુવાનોને પ્રેરણા આપી શકે છે.

11માં ધોરણમાં ફેલ થતા લોકો મેણાં મારતા હતા
મહારાષ્ટ્રના હર્ષ ગુપ્તા જ્યારે 11માં ધોરણમાં ફેલ થયા, ત્યારે આસપાસના લોકોએ તેમના કરિયર પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. લોકો મેણાં મારતા હતા, પરંતુ પિતાનો વિશ્વાસ અટલ હતો. પિતાને ખાતરી હતી કે તેમનો પુત્ર આસાનીથી હાર માનનારાઓમાંથી નથી. તેમણે પુત્રનો આત્મવિશ્વાસ વધાર્યો. હર્ષે મેણાં સાંભળ્યા પણ તેને પોતાના પર હાવી થવા દીધા નહીં.

- Advertisement -

પાણીપુરીની લારી પર મદદ કરી અને અભ્યાસ પણ કર્યો
હર્ષે ગરીબીને નજીકથી જોઈ છે. ખૂબ નાની ઉંમરે તેને શિક્ષણની કિંમત સમજાઈ ગઈ હતી. તેથી 11માં ફેલ થયા પછી ફરીથી તૈયારી કરી અને માત્ર 11મું જ નહીં પણ 12મું ધોરણ પણ સારા માર્ક્સ સાથે પાસ કર્યું. આ એ સમય હતો જ્યારે હર્ષ રસ્તા પર પિતા સાથે પાણીપુરીની લારી પર મદદ પણ કરતો અને અભ્યાસ પણ કરતો હતો.

10 થી 12 કલાકની JEE મેન્સની તૈયારી
હર્ષે દેશની આ અઘરી પરીક્ષા પાસ કરવામાં પૂરી તાકાત લગાવી દીધી. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે કોચિંગ અને સેલ્ફ સ્ટડી મળીને તે દિવસના 10 થી 12 કલાક JEE ની તૈયારી કરતો હતો. પ્રથમ પ્રયાસ વખતે ખરાબ તબિયત અને ફઈના અવસાનને કારણે તે પરીક્ષા આપી શક્યો નહીં. 2024 માં પ્રથમ વખત JEE મેન્સમાં બેઠો અને 98.5 પર્સન્ટાઇલ મેળવ્યા તથા JEE એડવાન્સ્ડ પણ ક્વોલિફાય કરી લીધી.

- Advertisement -

મનપસંદ IIT માટે બીજી વાર આપી પરીક્ષા
પ્રથમ પ્રયાસમાં ક્વોલિફાય થયા પછી પણ હર્ષને પોતાની પસંદગીની IIT માં એડમિશન ન મળ્યું. આ કારણે તેણે ફરીથી પરીક્ષા આપી અને સારા માર્ક્સ સાથે IIT રૂરકીમાં સીટ મેળવી. પોતાની સફળતા વિશે હર્ષ કહે છે, “હું ધોરણ 11માં ફેલ થયો હતો, પણ મેં ક્યારેય હાર માની નહીં. લોકોએ મેણાં માર્યા, પણ મેં કાન બંધ કરી લીધા અને પુસ્તકો ખોલી દીધા. દિવસના 10-12 કલાક અભ્યાસ અને માત્ર એક જ લક્ષ્ય – IIT માં એડમિશન.”

JEE ઉમેદવારોને યુટ્યુબ પર આપે છે ટિપ્સ
હર્ષ હવે માત્ર એન્જિનિયર બનવાની રાહ પર જ નથી, પરંતુ કન્ટેન્ટ ક્રિએટર તરીકે JEE ની ટિપ્સ પણ આપે છે. તેની એક યુટ્યુબ ચેનલ છે જ્યાં તે તૈયારીની ટિપ્સ શેર કરે છે. તે વિદ્યાર્થીઓને કહે છે કે સૌથી પહેલા પરીક્ષાને સમજો, બેઝિક્સ પર ફોકસ કરો, બહુ વધારે વાંચવાને બદલે સારું સ્ટડી મટીરિયલ પસંદ કરો અને ઇફેક્ટિવ ટાઇમ ટેબલ ફોલો કરો.

Share This Article