ICAI CA Exam 2025 Postponed: ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મે 2025માં યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પછી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ CA પરીક્ષા મુલતવી રાખી છે.
દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન (INTT AT)ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ નવમીથી 14મી મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે. જો કે, ICAI એ હજુ સુધી નવી તારીખોની જાહેરાત કરી નથી. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને ફક્ત સત્તાવાર વેબસાઇટ icai.org પરથી જ અપડેટ્સ મેળવે.
Important Announcement-In view of the tense security situation in the Country, the remaining papers of CA Final, Intermediate & PQC Examinations [International Taxation–Assessment Test (INTT AT)] May 2025 from 9th May 2025 to 14th May 2025 stand postponed.https://t.co/EIS52g5gRz pic.twitter.com/06WvolgR7s
— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) May 9, 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.