NEET UG 2025 Exam: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2025ના (NEET UG) આયોજનનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ પરીક્ષા પેન અને પેપર મોડમાં એક જ દિવસે એક જ પાળીમાં યોજાશે. NEET (UG)નો ઉપયોગ દેશના તમામ મેડિકલ સંસ્થાનોમાં સ્નાતક સ્તરે પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે કરવામાં આવશે. તેમાં BAMS, BUMS અને BSMS જેવા અભ્યાસક્રમ સામેલ છે. આ પરીક્ષા હોમિયોપેથી આયોગ અંતર્ગત BHMS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પણ જરૂરી છે.
આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ હોસ્પિટલોમાં BSc નર્સિંગ કોર્સિસમાં પ્રવેશ ઈચ્છુક મિલિટ્રી નર્સિંગ સર્વિસ (MNS) ઉમેદવારો માટે NEET (UG) લાયકાત મેળવવી જરૂરી છે. ચાર વર્ષીય BSc નર્સિંગ કોર્સિસમાં પસંદગી માટે શોર્ટલિસ્ટિંગ NEET (UG)ના સ્કોરના આધારે કરવામાં આવશે. આ પરીક્ષા અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને નર્સિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશની એકીકૃત પ્રક્રિયાનો ભાગ છે. જેથી ઉમેદવારોને એક સમાન તક મળશે.
દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2024માં 24 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે અત્યાર સુધીનો એક નવો રેકોર્ડ છે. ભારતના તબીબી ક્ષેત્રે અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. NEET દ્વારા, ઉમેદવારો MBBS, BDS અને અન્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સ્પર્ધા કરે છે.
આ વર્ષે આખા દેશમાં કુલ 1,08,000 MBBS સીટો ઉપલબ્ધ હતી. ઉપલબ્ધ MBBS સીટોમાંથી 56,000 સીટો સરકારી મેડિકલ કોલેજોમાં છે. જ્યારે 52,000 ખાનગી કોલેજો દ્વારા આપવામાં આવે છે. આ પરીક્ષા સરકારી અને ખાનગી બંને સંસ્થામાં પ્રવેશ માટે જરૂરી છે.

