Pitch Curator Career: IPL શરૂ થવામાં બે જ દિવસ બાકી છે. ફરી એકવાર ભારતની દરેક શેરી અને વિસ્તારમાં ક્રિકેટની ધૂમ જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની દરેક મેચ અને ખેલાડીઓ પર બધાની નજર હશે, પરંતુ ખેલાડીઓ સિવાય, મેચની જીત કે હારમાં પિચ મોટી ભૂમિકા ભજવશે. મેદાનની વચ્ચે આવેલી 22-યાર્ડની પિચ કોઈપણ મેચની સ્થિતિ અને દિશા બદલી શકે છે. આ પિચ તૈયાર કરનાર વ્યક્તિ પિચ ક્યુરેટર છે. હવામાન અને માટીને ધ્યાનમાં રાખીને ICCના ધોરણો મુજબ પિચ તૈયાર કરવાની જવાબદારી પિચ ક્યુરેટરની હોય છે. ભારતમાં, BCCI અને અન્ય ક્રિકેટ સંગઠનો સમયાંતરે પિચ ક્યુરેટરની ભરતી કરે છે અને આ માટે ઘણી લાયકાત નક્કી કરવામાં આવી છે.
જે લોકો ક્રિકેટ વિશે જાણે છે તેઓ પિચ ક્યુરેટર શબ્દને ખૂબ સારી રીતે સમજે છે. જે લોકો પિચ બનાવે છે અને તેની સંભાળ રાખે છે તેમને ક્યુરેટર કહેવામાં આવે છે. કોઈપણ મેદાનની પિચ તૈયાર કરવાની જવાબદારી તેમની હોય છે. તે હવામાન અને માટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને પિચ કેવી રીતે બનાવવી તે નક્કી કરે છે.
એક સમય હતો જ્યારે ફક્ત ગ્રાઉન્ડ્સમેન જ પિચનું કામ જોતા હતા, પરંતુ સમયની જરૂરિયાત મુજબ, પિચ ક્યુરેટરની માંગ વધવા લાગી અને પિચ ક્યુરેટર્સ ગ્રાઉન્ડનો ભાગ બનવા લાગ્યા. 1970ના દાયકામાં શરૂઆત પછી, આ શબ્દ 1980ના દાયકામાં સામાન્ય ઉપયોગમાં આવ્યો. આ પછી, દરેક મેચ માટે પિચ ક્યુરેટર જરૂરી બની ગયા.
પિચ ક્યુરેટર કેવી રીતે બની શકાય?
પિચ ક્યુરેટર તરીકે કામ કરવા માટે, ક્રિકેટનું જ્ઞાન હોવું જરૂરી છે, સાથે જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કામ કરવાનો અનુભવ અને અન્ય સ્કિલ હોવી પણ જરૂરી છે. જો તમે ગ્રાઉન્ડ પર કામ કર્યું હોય અને અન્ય સ્કિલ્સ ધરાવતા હોવ, તો તમે BCCIનો ક્યુરેટર સર્ટિફિકેશન કોર્સ પૂર્ણ કરી શકો છો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) લેવલ-1 કોર્સ પણ કરાવે છે. આ ઉપરાંત, માન્યતા પ્રાપ્ત ક્રિકેટ સંસ્થાઓ પણ પિચ ક્યુરેટર કોર્સ ઓફર કરે છે. જો તમે આ કોર્સ પૂર્ણ કરો છો તો તમે પિચ ક્યુરેટરની ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિનો CREO ક્રિકેટ કાર્યક્રમ પણ પિચ ક્યુરેટર ફેસિલિટેટર્સ માટે ટ્રેનિંગ આપે કરે છે, જેમાં લાયક પિચ ક્યુરેટર્સનો સમાવેશ થાય છે.
પિચ ક્યુરેટર બનવા માટે કઈ સ્કિલ્સ જરૂરી છે?
પિચ ક્યુરેટર બનવા માટે, ક્રિકેટની સારી સમજ હોવી જરૂરી છે.
ગ્રાઉન્ડ પર લાંબા સમય સુધી કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
માટી અને કેમેસ્ટ્રીનું પણ જ્ઞાન હોવું જોઈએ.
કોર્સ માટે અરજી કરતા પહેલા, પિચ ક્યુરેટર સાથે કામ કરવાનો અનુભવ પણ જરૂરી છે.
લીડર બનવાની ક્ષમતા હોવી જોઈએ, કારણ કે આમાં ઘણા ગ્રાઉન્ડ્સમેનનું નેતૃત્વ કરવું પડે છે.
નિર્ણય લેવાની અને સમસ્યાનું નિરાકરણ કરવાની સ્કિલ પણ મહત્ત્વપૂર્ણ છે.
પિચ ક્યુરેટરનો પગાર
પિચ ક્યુરેટરનો પગાર તેના અનુભવના આધારે નક્કી કરવામાં આવે છે. જો આપણે રાજ્ય ક્રિકેટ બોર્ડની વાત કરીએ તો, તેઓ પિચ ક્યુરેટરને દર મહિને 20થી 30 હજાર રૂપિયાનો પગાર આપે છે, જ્યારે BCCIના પિચ ક્યુરેટર્સને 40થી 80 હજાર રૂપિયાનો પગાર મળી શકે છે. પગાર ઉપરાંત, પિચ ક્યુરેટર્સને દરેક મેચ માટે બોનસ અને અન્ય ભથ્થાં પણ આપવામાં આવે છે. જો પિચને કારણે મેચ સારી રહે છે, તો ક્યારેક તેમને તેમના સારા કામ માટે બોનસના રૂપમાં વધારાનું ઈનામ પણ આપવામાં આવે છે.