બ્રિટનના સ્ટુડન્ટ વિઝા માટે યુનિવર્સિટીની સ્થાપનાનું વર્ષ અને વાઇસ-ચાન્સેલરનું નામ જાણવું જરૂરી, જાણો વિઝા કેમ થઈ રહ્યા છે રદ
UK Student Visa: શું તમે જણાવી શકો છો કે તમે જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માગો છો તેની સ્થાપના ક્યારે થઈ હતી? આશ્ચર્ય પામશો નહીં, કારણ કે આગામી વખતે તમે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરો ત્યારે બ્રિટિશ દૂતાવાસના અધિકારી તમને આ સવાલ પૂછી શકે છે. તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા લોકો પાસેથી આ પ્રકારના સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ખોટો જવાબ આપવાથી વિઝાની અરજી નકારી કાઢવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓનું બ્રિટનમાં અભ્યાસ કરવાનું સપનું તૂટી રહ્યું છે.
હકીકતમાં, બ્રિટનના વિઝા અધિકારીઓએ વિદ્યાર્થીઓની અરજીઓ એટલા માટે નકારી કાઢી છે, કારણ કે તેમને યુનિવર્સિટીની સ્થાપનાનું વર્ષ અથવા વાઇસ-ચાન્સેલરનું નામ ખબર નહોતું. કેટલાક લોકોના વિઝા તો માત્ર એટલા માટે નકારી કાઢવામાં આવ્યા કે તેમણે કહ્યું હતું કે તેમને કેનેડાની સરખામણીએ બ્રિટનનું હવામાન વધારે પસંદ છે. બ્રિટિશ યુનિવર્સિટીઓના અગ્રણી લોકો હવે ઇચ્છે છે કે ગૃહ મંત્રાલય એટલે કે હોમ ઑફિસ વિઝા રદ કરવાના આ નિર્ણયો પર ફરી વિચાર કરે. તેઓ આ નિર્ણયોને વાહિયાત અને અયોગ્ય માને છે.
બ્રિટનમાં વિઝા અરજીઓની સંખ્યા ઘટી
બ્રિટનમાં વિઝાને લઈને આ વિવાદ એવા સમયે શરૂ થયો છે, જ્યારે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી જ ઘટી રહી છે. આ ત્રિમાસિક ગાળાના ગૃહ મંત્રાલયના આંકડા પણ આ જ દિશામાં સંકેત આપે છે. ઑગસ્ટમાં સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા માટે અરજીઓ કરવામાં આવે છે, જ્યારે આ વર્ષે માત્ર 99,500 વિદ્યાર્થીઓએ જ અરજી કરી છે. ગયા વર્ષે આ સંખ્યા 1,20,300 હતી.
‘ટાઇમ્સ હાયર એજ્યુકેશન’ના એક અહેવાલ અનુસાર, ઉનાળા દરમિયાન યુનિવર્સિટીઓને સ્ટુડન્ટ વિઝા નકારવાના કિસ્સાઓમાં અચાનક વધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ નકલી અરજદારોને બહાર રાખવા માટે લેવામાં આવતા ઇન્ટરવ્યૂની નિષ્પક્ષતા અને તેની અનિશ્ચિત પદ્ધતિ અંગે બ્રિટિશ યુનિવર્સિટીઓના વાઇસ-ચાન્સેલરો સવાલ ઉઠાવી રહ્યા છે.
કયા કારણોસર વિઝા નકારવામાં આવ્યા?
બ્રિટિશ યુનિવર્સિટીઓના વાઇસ-ચાન્સેલરોનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ અગાઉ યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન (UKVI)ની શરતો પૂરી કરતા હતા, તેમની અરજીઓ પણ નકારી કાઢવામાં આવી રહી છે. અરજી અંગે નિર્ણય લેવાની પ્રક્રિયાને સતત અનિયમિત અને અણધારી ગણાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેઓ પોતાના અભ્યાસક્રમ, કેમ્પસ અને યુનિવર્સિટીના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી ધરાવતા હોય. અહેવાલમાં વિઝા નકારવાનાં કારણો પણ જણાવવામાં આવ્યાં છે, જે નીચે મુજબ છે.
- યુનિવર્સિટીની સ્થાપનાનું વર્ષ: યુનિવર્સિટીની સ્થાપનાની તારીખ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની 19મી સદીની શરૂઆતના સમયગાળાને બદલે 1960ના દાયકાના ‘રોયલ ચાર્ટર’ની તારીખ જણાવી હતી. જ્યારે અન્ય એક અરજદાર જૂની ‘રસેલ ગ્રુપ’ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવાનો હતો, તેનો વિઝા જે વર્ષ અંગે નકારવામાં આવ્યો હતું, તે વર્ષને બાદમાં યુનિવર્સિટીએ પોતે જ સાચું ગણાવ્યું હતું.
- નામ: કેટલાક અરજદારોને વાઇસ-ચાન્સેલર અથવા જે વિભાગમાં તેઓ અભ્યાસ કરવા જવાના હતા તેના સંભવિત ટ્યુટરનાં નામ ખબર નહોતાં. માત્ર આ કારણસર તેમને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
- ભણાવવામાં ન આવતા મોડ્યુલ સાથેની PhD: બાયોમેડિકલ એન્જિનિયરિંગના એક અરજદારને મોડ્યુલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનો અભ્યાસ ડૉક્ટરલ સંશોધન પર આધારિત છે. જોકે, અસ્પષ્ટ અને સામાન્ય જવાબ આપવાના આધારે તેની અરજી નકારી કાઢવામાં આવી હતી.
- કેનેડાની ઠંડી: એક વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે તેણે બ્રિટન શા માટે પસંદ કર્યું. તેના જવાબમાં વિદ્યાર્થીએ બ્રિટન પસંદ કરવાનું કારણ ત્યાંનું હળવું હવામાન એટલે કે પ્રમાણમાં ઓછી ઠંડી હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેને જવાબ મળ્યો કે કેનેડાનાં શહેરો પણ શિયાળાનો સારી રીતે સામનો કરી શકે છે. આ જ આધારે તેને પણ વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
- રેન્કિંગ અને ફી: નોર્થમ્બ્રિયા યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે અન્ય વિકલ્પ તરીકે ધ્યાનમાં લીધેલી યુનિવર્સિટીઓનું રેન્કિંગ ન જણાવી શકવા અથવા અભ્યાસક્રમની સામગ્રીને બદલે ફીના આધારે યુનિવર્સિટીઓની સરખામણી કરવાને કારણે અરજદારોના વિઝા નકારવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર, નોર્થમ્બ્રિયા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર એન્ડી લોંગે આટલા સ્તરની માહિતીની અપેક્ષાને અત્યંત મુશ્કેલ અને અભૂતપૂર્વ ગણાવી હતી. તેમણે કહ્યું, ‘કોઈ એવી કલ્પના કરવાની પણ હિંમત નહીં કરે કે દેશના કોઈ 18 વર્ષના વિદ્યાર્થીને અલગ-અલગ યુનિવર્સિટીઓ અને શ્રમબજારનું તુલનાત્મક વિશ્લેષણ કરવાનું કહેવામાં આવે.’
હાલમાં ભારતીય વિદ્યાર્થીઓને માત્ર એટલી જ સલાહ આપવામાં આવે છે કે જો તેઓ બ્રિટનમાં અભ્યાસ કરવા માગતા હોય, તો તેમણે આ અંગેની તમામ માહિતી સારી રીતે જાણવી જરૂરી છે.

