US H-1B Salary: H-1B વિઝાનો પર્દાફાશ: અમેરિકન કંપનીઓ ભારતીયો સહિતના વિદેશી કામદારોને આપે છે 16% ઓછો પગાર, આ રીતે કરે છે કરોડોની બચત!

Arati Parmar
2 Min Read

US H-1B Salary: અમેરિકામાં નોકરી માટે જનારા કામદારોમાં H-1B વિઝા અત્યંત લોકપ્રિય છે. આ વિઝા દ્વારા જ ટેક સહિતના અનેક ક્ષેત્રોમાં વિદેશી કામદારોની ભરતી થાય છે. જોકે, એક તાજેતરના અભ્યાસમાં ખુલાસો થયો છે કે અમેરિકન કંપનીઓ સ્થાનિક કામદારોની તુલનામાં વિદેશી કામદારોને ઓછો પગાર આપીને લાખો ડોલરની બચત કરી રહી છે.

અમેરિકામાં H-1B વિઝા લાંબા સમયથી વિવાદોમાં રહ્યો છે. અમેરિકન લોકોનું કહેવું છે કે કંપનીઓ આ વિઝા પર વિદેશી કામદારોને એટલા માટે રાખે છે કારણ કે તેમને સ્થાનિક કામદારો કરતા ઓછો પગાર આપવો પડે છે. કેટલાક લોકો માને છે કે વિદેશી કામદારોને કારણે સ્થાનિકોને નોકરી નથી મળી રહી. અત્યાર સુધી આ વાતો માત્ર અટકળો લાગતી હતી, પરંતુ નેશનલ બ્યુરો ઓફ ઈકોનોમિક રિસર્ચના અભ્યાસે આ ‘કાળું સત્ય’ ઉજાગર કર્યું છે.

- Advertisement -

અમેરિકામાં ટેક, હેલ્થકેર, ફાઇનાન્સ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત કામો માટે દર વર્ષે 85 હજાર H-1B વિઝા જારી કરવામાં આવે છે.

સ્ટડીમાં શું બહાર આવ્યું?
અભ્યાસમાં જણાવાયું છે કે અમેરિકન કંપનીઓ એક H-1B વર્કર પાછળ વિઝાના સમગ્ર સમયગાળા દરમિયાન તેના પગારમાં આશરે 1 લાખ ડોલર (લગભગ ₹83 લાખ) ની બચત કરી રહી છે. આ સ્ટડી 2021 થી 2024 વચ્ચે કામ કરતા 3.40 લાખ H-1B વર્કર્સના વિશ્લેષણ પર આધારિત છે. શિક્ષણ, ઉંમર, લિંગ અને લોકેશનના આધારે ડેટા તપાસતા માલૂમ પડ્યું કે H-1B વર્કર્સને સમાન લાયકાત ધરાવતા અમેરિકન કર્મચારીઓ કરતા 16% ઓછો પગાર આપવામાં આવ્યો.

- Advertisement -

રિપોર્ટમાં જણાવાયું છે કે ઉપરછલ્લી રીતે જોતા એવું લાગે છે કે વિદેશી કામદારો 13% વધુ પગાર મેળવે છે, કારણ કે તેઓ મોટાભાગે ટેક સેક્ટરમાં હોય છે. પરંતુ જ્યારે સમાન જોબ રોલ અને લોકેશન સાથે સરખામણી કરવામાં આવે છે, ત્યારે પેટર્ન બદલાઈ જાય છે અને 16% નો વેતન તફાવત સ્પષ્ટ દેખાય છે.

અમેરિકન અર્થશાસ્ત્રીનો મત
અમેરિકન અર્થશાસ્ત્રી જ્યોર્જ જે. બોરજાસે ન્યૂઝવીક સાથેની વાતચીતમાં કહ્યું, “H-1B વર્કર્સ અને સ્થાનિક વર્કર્સ વચ્ચે પગારમાં આ એક મોટો તફાવત છે. દરેક વ્યક્તિ આ વિશે જાણતી હતી, પરંતુ હવે વિશ્વાસપાત્ર ડેટા સાથે આ સાબિત થયું છે.” તેમણે ઉમેર્યું કે મોટી ટેક કંપનીઓ સિવાય પણ ઘણી એવી કંપનીઓ છે જ્યાં વિદેશી કામદારોને ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -
Share This Article