મુંદરા, તા. 28 : પ્રતિબંધિત માદક પદાર્થોની ગેરકાયદે હેરફેર પર સતત સતર્કપણે જાપ્તો રાખતા મુંદરા કસ્ટમ્સ તંત્રની ટીમે રાજકોટ સ્થિત વેપારી નિકાસકારના કપટપૂર્વક આફ્રિકામાં નિકાસ માટે લઇ જવાતા 110 કરોડ રૂપિયાના માદક દવાના જથ્થાને પકડી પાડયો હતો. આ મોટી કહી?શકાય તેવી કાર્યવાહી કરીને કસ્ટમ પ્રશાસને નશીલા દ્રવ્યોના `કપટભર્યા’ કારોબારને નાથવામાં મોટી સફળતા મેળવી હતી. મુંદરા કસ્ટમ્સની સ્પેશ્યલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (એસઆઇઆઇબી)ની ગુપ્ત બાતમી પરથી સક્રિય બનેલી કસ્ટમ અધિકારીની ટીમોએ 68 લાખ ગોળીનો આંતરરાષ્ટ્રીય બજારમાં 110 કરોડ રૂપિયાની કિંમતનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો.

સિએરા લિયોન અને નાઇજર જેવા પશ્ચિમ આફ્રિકી દેશોમાં લઇ જવા માટેના બે કન્સાઇનમેન્ટસ પર ડાયકલોફેનેક અને ગેબેડોલ ગોળીઓ છે, તેવું લખાણ કરાયું હતું. કન્ટેનર આંતરીને તપાસ કરતાં આગળના છેડેથી મળી આવેલા દવાઓના જથ્થા પર `ટ્રામાકિંગ 225′ અને `રોયલ 225′ લખેલી સ્ટ્રીપ્સ બોકસમાંથી મળી આવી હતી. આ બન્નેમાં 225 એમ.જી.ની ટ્રામાડોલ હાઇડ્રોકલોરાઇડ ગોળીઓ સામેલ હતી. આ જંગી જથ્થો જપ્ત કરીને કસ્ટમ અધિકારીઓએ રાજકોટ, ગાંધીનગર તેમજ ગાંધીધામ સુધી તપાસ લંબાવી હતી.
ટ્રામાડોલ એક `ઓપિઓઇડ’ પ્રકારની પીડાનાશક દવા છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ સ્ટંસિસ એકટ (એનડીપીએસ) કાયદા હેઠળ 2018નાં વર્ષમાં ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો હતો. ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના આતંકીઓ લાંબા સમય સુધી જાગવા માટે આ દવાનો ઉપયોગ કરતા હોવાના અહેવાલો આવ્યા બાદ ટ્રામાડોલ દવા બદનામ બની હતી. નાઇજીરિયા, ઘાના જેવા આફ્રિકી દેશોમાં ભારે લોકપ્રિય બનેલી ટ્રામાડોલની જબરી માંગ છે. ટ્રામાડોલ પર પ્રતિબંધ આવ્યા પછી આજે આ સૌથી મોટો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરીને કસ્ટમે મોટી સફળતા મેળવી છે.

