આંગડિયા પેઢી પર બીજા દિવસે પણ તપાસ ચાલુ, 10 ઓફિસમાં સર્ચ
અમદાવાદ, 11 મે. અમદાવાદની આંગડિયા પેઢી પર શનિવારે બીજા દિવસે પણ તપાસ ચાલુ રહી હતી. બીજા દિવસે અન્ય 10 ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. CID ક્રાઈમની કાર્યવાહીમાં કરોડો રૂપિયાના વ્યવહારો ઝડપાયા છે.
અમદાવાદની પીએમ, એચએમ, એનઆર, પ્રાઇમ અને વી પટેલ નામની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન બે દિવસમાં 18 કરોડથી વધુની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. CID ક્રાઈમે બીજા દિવસે પણ 15 કરોડની રોકડ, 75 લાખનું વિદેશી ચલણ અને 66 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આ ઉપરાંત દુબઈ સાથે કરોડો રૂપિયાના વ્યવહારો પણ ઝડપાયા છે.

ક્રાઈમ બ્રાન્ચે પેઢીના સંચાલકો અને કર્મચારીઓ સહિત 10 લોકોની પૂછપરછ કરી હતી. CID ક્રાઈમની સાથે ઈન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તપાસમાં સામેલ છે.
મળતી માહિતી મુજબ, આંગડિયા પેઢીમાં ફેક એકાઉન્ટને લગતી ફરિયાદો બાદ CID ક્રાઈમે તેમને રડાર પર લીધા છે. મળતી માહિતી મુજબ આ તમામ પેઢીઓમાં RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વ્યવહારોને કારણે ક્રાઈમ બ્રાન્ચે 40 લોકોની ટીમને 25 જગ્યાએ તપાસ કરી હતી.
