ઓસ્ટ્રેલિયન પક્ષી ઇમુ ભુજ નજીક દેખાતાં આશ્ચર્ય
ભુજ, તા. 18 : એક ડગલામાં 9 ફૂટનું અંતર કાપીને ચાલતું શાહમૃગ પછીનું દુનિયાનું સૌથી મોટું પક્ષી ઇમુ જો કચ્છમાં જોવા મળે તો સ્વભાવિકે સૌને આશ્ચર્ય થાય, કેમ કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા વિશ્વના રહેવાસી આ યાયાવરની ઝલક પણ ભાગ્યે જ જોવા મળે છે ! હા, આ પક્ષી આજે ભુજ નજીકના રસ્તા પર દોડતું દેખાતાં નજરે જોનારા લોકોના ઓ…આ શું છે એવા ઉદ્ગાર નીકળી ગયા હતા. ઇમુ એક ખૂબ જ વિશિષ્ટ પક્ષી છે.
શાહમૃગ પછી તે વિશ્વનું સૌથી મોટું પક્ષી છે અને તેના જેવું જ દેખાય છે. આ પક્ષીને પાંખો હોય છે, પરંતુ તે ઊડી શકતું નથી. જો કે, આ પક્ષી ખૂબ જ ઝડપે દોડી શકે છે. જાણીને નવાઇ લાગશે કે દોડતી વખતે આ પક્ષી એક પગલાંમાં 9 ફૂટનું અંતર કાપી શકે છે. આ પક્ષીના આવા અનેક ગુણો છે જે જાણી તમારા હોંશ ઊડી જશે. આવી અનોખી પ્રજાતિવાળું પક્ષી ભુજ શહેરના મોટાપીર રોડ પર દોડતું જોવાં મળ્યું હતું. તેના શરીર પર ભૂરા, રાખોડી અને કાળા રંગ જોવા મળે છે, તેમનો જીવનકાળ 12થી 20 વર્ષ છે. જો કે, આ પક્ષી જંગલમાં માત્ર 5થી 10 વર્ષ જ જીવી શકે છે. તે સર્વભક્ષી પક્ષી છે, જે જંતુઓ, ફળો અને નાના પ્રાણીઓ ખાય છે. ભુજમાં સંસ્કાર સ્કૂલથી મોટાપીરવાળા રોડ પર જોવાં મળતાં આશ્ચર્યચક્તિ થયેલા અને નજરે જોનારા લોકોએ તુરંત આ અંગેની જંગલખાતાને જાણ કરી હતી. કેમ કે સૂનકાર રસ્તો આગળ જંગલ તરફ જતો હતો. આમ તો ઇમુ ઓસ્ટ્રેલિયાના વતની પક્ષીઓ છે. તે ત્યાંનું સૌથી મોટું પક્ષી પણ છે. જે 6.2 ફૂટ લાંબું થઇ શકે છે. તેમના પગ લાંબા અને ગરદન ઊંચી હોય છે. તેમના દરેક પગ પર 3 અંગૂઠા?છે. તેનું વજન 30 કિલોથી 55 કિલો સુધી હોઇ શકે છે.
ઇમુ પક્ષીના મુખ્ય શિકારી ડીંગો, ગરુડ અને બાજ છે. ઇમુ જેવું દેખાતું આ પક્ષી અચાનક અહીં કેમ, એટલે તુરંત જાણકારોએ વનતંત્રને જાણ કરી હતી. નાયબ વન અધિકારી યુવરાજસિંહ ઝાલાને પૂછતાં તેમણે કહ્યું કે, હા અમને ફોન આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, દૂરથી ઇમુ દેખાય છે, પરંતુ તે પાલતુ હોઇ શકે. કેમ કે ઇંડાં આપતું આ પક્ષી હોવાથી કોઇપણ પાળી શકે છે. વન વિભાગના કાર્યક્ષેત્રમાં તે આવતું નથી. મરઘીની જેમ ઉછેર કરી શકાય છે અને આ બાબત સામાન્ય ગણાવી હતી. જાણીતા પર્યાવરણવિજ્ઞાની જૂગલકિશોર તિવારીએ જણાવ્યું હતું કે, રાજસ્થાન બાજુ ફાર્મમાં `ઈમુ’ આવ્યા હોવાના દાખલા છે પણ કચ્છમાં આવું હજુ જોયું નથી. તેમણે સુખદ આશ્ચર્ય દર્શાવ્યું હતું. તો પક્ષીવિદ્ નવીનભાઇ બાપટનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ભુજ નહીં કચ્છમાં પણ?ક્યાંય જો ઇમુ પક્ષી દેખાય તો મોટી વાત છે, અશક્ય છે.
આ પાલતુ હોઇ શકે છે. અમને આટલા વર્ષમાં ક્યાંય જોવા નથી મળ્યું. તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પક્ષી છે. મોટાભાગે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે. અત્યંત વજનદાર આ પક્ષી ઊડી નથી શકતું અને તેને શાહમૃગ જેવું ગણવામાં આવે છે. તેના પીંછાં ખૂબ જ મહત્ત્વના છે. જોકે ઇંડાં પણ આપે છે. ડો. ટંડને પણ આ અંગેની વધુ વિગતો આપીને કહ્યું કે, પોતાના સ્વબચાવ માટે તે લાત મારે છે અને પ્રાણીને મારી નાખે છે. તેના અનન્ય પીંછાં અન્ય પક્ષીથી વિપરીત હોય છે.
