ગાંધીધામ, તા. 30 : રાપર તાલુકાના આડેસર ગામ પાસે આવેલી ચેકપોસ્ટ પર પોલીસે ટ્રકને રોકાવી તપાસ કરતાં તેમાંથી મગફળીની આડમાં છુપાયેલો 14.83 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વાહન સહિત 29 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટક કરી લેવાઈ હતી.
આડેસર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે સાંજના અરસામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે સાંતલપુર તરફથી આવી રહેલી ટ્રક નંબર આર.જે.-07.- જી.સી.-3229માં મોટી માત્રામાં દારૂ હોવાની જાણ થઈ હતી.

પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી આ ટ્રકને અટકાવી હતી. ત્યારબાદ ડ્રાઈવરની કેબિનમાં તપાસ કરતાં ટ્રકમાં મગફળીના કોથળાની આડમાં બનાવવામાં આવેલા ચોરખાનાંમાં મદિરા હોવાનું ધ્યાને આવ્યું હતું. ટ્રકના પાછળના ભાગે લોખંડનું પતરું તોડી અંદર રાખેલી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 3900 બોટલ તથા બીયરના 2064 ટીન મળી કુલ્લે રૂપિયા 14,83,380નો જથ્થો હસ્તગત કરાયો હતો તેમજ રોકડ, મોબાઈલ, વાહન મળી 29,96,430નો મુદ્દામાલ કબજે કરી લેવાયો હતો. ત્યારબાદ ચાલક દેવુ ઉર્ફે દેવીલાલ પ્રભુરામ ઢાકા (બિશ્નોઈ) ઉ.વ.28, 2હે. વાડા નવા, તા. બાગોડા, જિ. જાલોર, રાજસ્થાનની અટક કરી લેવાઈ હતી. આ શખ્સની પૂછપરછમાં રાજાભાઈ નામના ઈસમે શરાબ ભરી આપ્યો હોવાનું ખુલ્યું હતું તેમજ મોબાઈલ ફોન પર સ્થળની જાણકારી આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

