ભુજ, તા. 22 : મહિલાઓ ઉપર અત્યાચાર અને તેમની જાતીય સતામણી-પજવણીના મામલે કાયદામાં ખાસ જોગવાઇ સાથેના શ્રેણીબદ્ધ પગલાં પછીયે આ ક્ષેત્રની ગુનાખોરીનો ગ્રાફ ઉતરોત્તર વધતો જ જોવા મળી રહ્યો છે. દેશના નકશામાં શાંત અને સલામત ગણાવાતા તથા પોલિટિકલ એન્ગલથી મોડેલ સ્ટેટ બતાવાતા ગુજરાત રાજ્યમાં સરાસરી પ્રત્યેક ચોથા કલાકે બળાત્કારનો એક કિસ્સો સત્તાવાર રીતે દફ્તરે ચડી રહ્યો છે. જે બાબતના આંકડા મહિલા સુરક્ષા અને સંલગ્ન બાબતોનો છેદ ઊડાડનારા બની રહ્યા છે. વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના મતે વ્યક્તિની શારીરિક રચના મુજબ બળાત્કાર સહજ શક્ય નથી. આમ છતાં ગરવી ગુજરાતના કચ્છ જિલ્લા સહિતના છેલ્લાં પાંચ વર્ષના ક્રાઇમ ચાર્ટનો અભ્યાસ કરતા જાણવા મળી રહ્યું છે કે, આ રાજ્યમાં સરેરાશ રોજ બળાત્કારના છ કિસ્સા વિધિવત રીતે દફ્તરે ચડી રહ્યા છે. અર્થાત દિવસ ઊગતાંની સાથે જ દર ચોથા કલાકે મહિલા અત્યારની સૌથી અસહ્ય અને મોટી ઘટના સામે આવી રહી છે.

પોલીસના ચોપડે ચડી રહેલી બળાત્કારની પ્રત્યેક ઘટના સાચી ઠરી હોય તેવું પણ હજુ સુધી બન્યું નથી. પરસ્પરના મનભેદ અને વિવાદ સહિતના જુદા-જુદા વિવિધ કારણો પણ આ માટે નિમિત્ત બનતા આવતા હોવાની અનુભૂતિ વર્તમાન સમયના અનેક કેસને લઇને થવા લાગી છે. ઝિન્નત અમાન અને રાજ બબ્બર ફેઇમ ચર્ચાસ્પદ હિન્દી ફિલ્મ ઇન્સાફ કા તરાઝૂમાં બતાવાયેલા બળાત્કાર જેવો ઘટનાક્રમ અત્યારના ભાગ્યે જ કોઇ કિસ્સામાં દેખાઇ રહ્યો છે, તો અનેક કેસો ટેકનિકલ પ્રકારના પ્રથમ દર્શનીય લાગી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં બનેલી બળાત્કારની જઘન્ય ઘટનાએ સમગ્ર દેશમાં પડઘા પાડવા સાથે ઉહાપોહ જગાવ્યો છે. આ માહોલ વચ્ચે દેશમાં જેને શાંત અને સલામત બતાવાય છે, તે ગુજરાત રાજ્યમાં રોજની બળાત્કારની છ ઘટનાના સત્તાવાર આંકડા સાથેની વિગતો ચર્ચામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બળાત્કારના 6524 કેસ અને સામૂહિક બળાત્કારના 95 કિસ્સા સત્તાવાર રીતે ચોપડે ચડેલા છે.
બળાત્કારની સમાંતર મહિલાઓ ઉપરના વિવિધ પ્રકારના અત્યાચારના બનાવોનો આંકડો પણ આંખ પહોળી કરી નાખવા સાથે ચિંતાજનક બની ચૂક્યો છે. રાજ્યના આ કેસ પૈકી 194 કિસ્સા એવા છે કે, જેમાં આરોપી પકડવાના પણ બાકી છે. દરમ્યાન નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના તારણ મુજબ રાજ્યમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, હત્યા, ઘરેલુ હિંસા અને બળાત્કારના બનાવો ક્રમશ: વધી રહ્યા છે. મહિલાઓ સંલગ્ન આ પ્રકારના દર વર્ષે સાતથી આઠ હજાર કેસ સત્તાવાર રીતે નોંધાઇ રહ્યા છે, તો રાજ્યના ગૃહવિભાગ દ્વારા પણ વિધાનસભામાં આ બાબતે પુષ્ટિ આપવામાં આવી છે. છેલ્લાં ત્રણ વર્ષના ગુજરાત રાજ્યના બળાત્કાર બાબતના સપાટીએ આવેલા આંકડા મુજબ 2020-21માં 2076, 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 કેસ મળી કુલ 6524 કિસ્સામાં એફ.આઇ.આર. નોંધી ગુના દાખલ કરવામાં આવ્યા છે, તો ત્રણ વર્ષના આ સમયગાળામાં મહિલા અત્યાચારના અનુક્રમે 8028, 7348 અને 7731 કિસ્સા મળી કુલ 23117 મામલા દફ્તરે ચડયા છે.
દરમ્યાન મહિલા વર્ગના આત્મસન્માન અને તેમની સલામતિ માટે હાનિકારક એવા આ પ્રકારના કિસ્સાઓને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કાયદાને વધુ કડક બનાવી તેમાં ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે, તો જિલ્લાથી રાજ્યસ્તર સુધી ખાસ સેલ અને શાખાઓ કાર્યરત કરવામાં આવી છે. આમ છતાં સ્થિતિ કાબૂમાં આવવાના બદલે વધુ ને વધુ વકરી રહ્યાનું સત્તાવાર આંકડા પ્રતિપાદીત કરી રહ્યા છે. અલબત્ત યોગ્ય અને ન્યાયીક કાર્યવાહીના અભાવ વચ્ચે અપેક્ષા મુજબનું પરિણામ દૂરનું દૂર રહેતું જોવા મળી રહ્યું છે. આ ક્ષેત્રમાં થતી પોલીસ કાર્યવાહી કેટલી સબળ છે તેનો અંદાજ હાથમાં ન આવેલા આરોપીઓનો આંકડો પણ બતાવ્યા વગર રહેતો નથી. કચ્છ સહિત સમગ્ર રાજ્યના બળાત્કાર કેસના 194 તહોમતદાર એવા છે કે, જેઓ હજુ હાથે જ નથી ચડયા. આ પૈકીના 67 આરોપી છ મહિના કે તેથી વધુ સમયથી તો 63 તહોમતદાર એક વર્ષથી જ્યારે 64 આરોપી છેલ્લાં બે વર્ષ કે તેનાથી વધુ સમયથી ગોત્યા જડતા નથી. કો-શિક્ષણની અવળી અસર, આધુનિક જમાનાના રંગઢંગ સાથેના વર્તમાન માહોલમાં `આઇ હેવ ઓલરેડી બોયફ્રેન્ડ, વી આર જસ્ટ ફ્રેન્ડ’નો સંવાદ સામાન્ય બનવા લાગ્યો છે, ત્યારે આ પ્રકારના સહવાસ દરમ્યાન જ વિવાદ અને મતભેદ ઊભા થવાના પરિબળનું પરિણામ બળાત્કાર જેવી ફરિયાદો સુધી પહોંચતું હોવાનું ચિત્ર પણ જોવા મળી રહ્યું છે.

