ભુજ, તા. 19 : અરબસાગરના તટે આવેલા કચ્છના સમુદ્ર કાંઠેથી માદક પદાર્થના પેકેટસ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બે દિવસ દરમ્યાન વિવિધ?સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સના 60 જેટલાં પેકેટ મળ્યા છે, જેની કિં.?રૂા. 30 કરોડ?જેવી થવા જાય છે. અફઘાની અને પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ અરબસાગરના દરિયાઇ?માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાની સતત પેરવી કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓનાં દરિયામાં સતત પેટ્રોલિંગમાં ઘણી વખત આવા તત્ત્વો દૂરથી ભારતીય જવાનોને જોઇ જતાં `માલ’?(માદક પદાર્થ) દરિયામાં ઠાલવી દેતા હોય છે.
દરિયો પોતાના પેટમાં કંઇ રાખતો નથી… આથી સમય જતાં આ `માલ’ વિવિધ સાગરકાંઠે મળી આવવાની સંભાવના જાણકારો દર્શાવી રહ્યા છે. હાલ કચ્છના દરિયાઇ ક્ષેત્રમાંથી આઠમી જૂનથી માદક પદાર્થોના પેકેટ મળવા શરૂ થયા છે, જેમાં અત્યાર સુધી મોંઘેરા ચરસના 211 પેકેટ?જેની કિં.?રૂા. 100 કરોડથીય વધુ અને સુથરી પાસેથી મેથાએમફેટામાઇનના નવ પેકેટ?જેની કિં. રૂા. 45 કરોડ આમ આઠમી જૂનથી અત્યાર સુધી 150 કરોડના માદક પદાર્થના પેકેટસ બિનવારસુ હાલતમાં કચ્છના દરિયાઇ ક્ષેત્રમાંથી મળી આવ્યાં છે.

હાલ બે દિવસમાં મળેલાં ચરસના 52 પેકેટ, વિગતો મુજબ જખૌ દરિયાઇ ક્ષેત્રમાંથી સીમા સુરક્ષા દળના જવાનોને શેખરણપીર ટાપુ વિસ્તારમાંથી 19 અને 18મીના મોડીરાત્રે ડ્રગ્સના વધુ 23 પેકેટ મળ્યાં હતાં. આમ, બે દિવસ દરમ્યાન બીએસએફને માદક પદાર્થના 42 પેકેટ?સર્ચ ઓપરેશન દરમ્યાન મળ્યાં છે. જ્યારે બીજીતરફ?નેવી ઇન્ટેલિજન્સ યુનિટ, એમટીએફ અને સ્ટેટ આઇબીની સંયુક્ત ટીમને પણ ગઇકાલે પિંગલેશ્વર બાજુથી આઠ અને આજે બપોરે સિંધોડીથી યક્ષ?મંદિર વિસ્તારમાં 10 પેકેટસ એમ બે દિવસ દરમ્યાન મરિન કમાન્ડોને માદક પદાર્થના 18 પેકેટ મળ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 20-25 દિવસ પૂર્વે પોરબંદરના દરિયાઇ ક્ષેત્ર અરબસાગરમાંથી એટીએસ અને એનસીબી તથા કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહી દરમ્યાન 14 પાકિસ્તાનીને 600 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ બાતમીના આધારે એક બોટમાંથી મહારાષ્ટ્રના બે શખ્સને 60 કરોડના 173 કિલો ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પૂનાના સૂત્રધાર અને પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સંપર્ક કરાવનારા માંડવીના વચેટિયા અલી અસગર હાલેપોત્રાને પણ ઝડપી લેવાયા હતા અને તપાસ દરમ્યાન માંડવીના સલાયાના હૈદરશા થૈમનું પણ નામ ખૂલતાં તેની અટક થઇ હતી. આમ, આ ડ્રગ્સની હેરાફેરીમાં સ્થાનિક કડીઓ પણ ખૂલી છે, ત્યારે હજુ પણ સઘન તપાસ થાય તો અનેક કડીઓ મળવાની સંભાવના છે. દરમ્યાન, વિવિધ સુરક્ષા એજન્સીઓ અને કોસ્ટલ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી હજુ પણ માદક પદાર્થના બિનવારસુ પેકેટસ મળવાની શક્યતા જોવાઇ?રહી છે.

