નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મળવાથી આમ આદમી પાર્ટીની છાવણીમાં ખાસ કરીને દિલ્હી, પંજાબ અને હરિયાણાની લોકસભા ચૂંટણીમાં પ્રાણ ફૂંકાયો છે. કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. એનો અર્થ હવે કેજરીવાલ પૂરી તાકાતથી ચૂંટણી પ્રચારમાં મંડી પડશે. દિલ્હીમાં 25મી મેએ સાત બેઠકો માટે મતદાન થશે. પંજાબમાં પણ એમની પાર્ટી સત્તામાં છે ત્યાં 13 લોકસભા બેઠકો માટે પહેલી જૂને મતદાન થશે.
હરિયાણામાં પણ 10 લોકસભા બેઠકો માટે 25મી મેએ મતદાન થવાનું છે. અહીં આમ આદમી પાર્ટીએ કુરુક્ષેત્રની ફક્ત એક બેઠક પર ઉમેદવાર ઊભો રાખ્યો છે. `ઈન્ડિ’ ગઠબંધન કેજરીવાલની ધરપકડથી લોકોની સહાનુભૂતિ તેમની તરફેણમાં ઊભી થઈ હોવા અંગે આશાવાદી છે. અદાલતના નિર્ણયથી વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના તેમના દાવાને સમર્થન મળશે એવી તેમને આશા છે. તિહાર જેલમાંથી છૂટયા બાદ કેજરીવાલનો ચૂંટણી પ્રચાર દિલ્હીમાં મતદારોનો મૂડ બદલી નાખશે. રાજધાની દિલ્હીમાં સાત લોકસભા બેઠકો માટે પ્રચાર અભિયાન જોર પકડવાનું હતું એવા સમયે જ તેમને જામીન મળ્યા છે. અરવિંદ કેજરીવાલે બીજી જૂને ફરીથી તિહાર જેલમાં હાજર થવાનું છે, પરંતુ ભાજપના ભ્રષ્ટાચારના આરોપો સામે પીડિતનું કાર્ડ રમી પોતાની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર કરવા માટે તેમની પાસે પૂરતો સમય છે.

લોકસભા ચૂંટણી પર એની મોટી અસર પડશે. બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ મોરચો પણ એમ કહીને પ્રચારમાં ઊતરશે કે કેજરીવાલને ફક્ત ચૂંટણી પ્રચાર માટે જામીન મળ્યા છે અને શરાબ કૌભાંડ કેસમાં કોઈ રાહત મળી નથી. ઉપરાંત કેજરીવાલને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે કામ કરતાં અટકાવાયા છે. સુપ્રીમ કોર્ટે તેમને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે અને બીજી જૂને તેમને આત્મસમર્પણ કરવું પડશે. આથી તેઓ ચૂંટણીમાં પ્રચાર તો કરશે, પરંતુ ચોથી જૂને એનું પરિણામ જાહેર થશે ત્યારે પાછા જેલમાં હશે, એવો પ્રચાર કરાશે. કેજરીવાલને મળેલી રાહતથી ચૂંટણી અભિયાન પર અસર પડવાની શક્યતા છે, ખાસ કરીને દિલ્હીમાં જ્યાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસ સાથે ગઠબંધનમાં છે.
ઈડી-એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત શરાબનીતિ કૌભાંડમાં 21મી માર્ચે તેમની ધરપકડ કરી હતી. દિલ્હીમાં હવે ફોકસ કેજરીવાલ પર રહેવાની આશા છે, કારણ કે તેઓ આપના મુખ્ય પ્રચારક છે. પોતાના ભાષણોમાં તેઓ શું કહે છે એ જોવું રસપ્રદ રહેશે. અદાલતે તેમને શરાબનીતિ કેસ અંગે વાત નહીં કરવાની તાકીદ કરી છે. જોકે, તેઓ પૂરી શક્તિથી ભાજપ પર તૂટી પડે એવી ભારોભાર શક્યતા છે.
