મોટા પાયે લાકડાની ચોરીનો પર્દાફાશ, દરોડામાં 2055 મેટ્રિક ટન લાકડું ઝડપાયું, કેસમાં ડેપો મેનેજર સહિત અનેક આરોપીઓ
સુરત વન વિભાગની માંડવી દક્ષિણ રેન્જે ખેરનાં વૃક્ષો કાપીને લાકડાં વેચવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. 16મી જૂને માંડવી દક્ષિણ રેન્જ નજીકથી પરમીટ વગર પસાર થતી ખેર લાકડાં ભરેલી ટ્રક ઝડપાઈ હતી. પૂછપરછ દરમિયાન આ લાકડા મધ્યપ્રદેશના અલીરાજપુર લઇ જવાતા હોવાનું બહાર આવ્યું હતું.

આ પછી, વન વિભાગની ટીમે અલીરાજપુરમાં દરોડો પાડ્યો, જ્યાં 2055 મેટ્રિક ટન ખેર લાકડાનો સંગ્રહ મળી આવ્યો. લાકડાની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા છે. વન વિભાગે લાકડા કબજે કરી ડેપો મેનેજર આરીફઅલી અમજલઅલી મકરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા ચાર વર્ષથી સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, દાહોદ અને ભરૂચ સહિતના અનેક જિલ્લાના જંગલોમાંથી ખેરનાં વૃક્ષો કાપવામાં આવી રહ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ વૃક્ષોને ટ્રક મારફતે અલીરાજપુર લઈ જવામાં આવ્યા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે આટલા મોટા જથ્થામાં લાકડાની ચોરી થઈ હોવા છતાં દક્ષિણ ગુજરાતના કોઈ ડીએફઓ કે તેમના તાબાના અધિકારીને તેની જાણ થઈ ન હતી. આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય આરોપીઓને પણ પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

