New Film Certification Guidelines: હવે ભલે ફિલ્મોનો હીરો ‘એનિમલ’ હોય કે ‘ટોક્સિક’ હોય, ભલે પપ્પાની પાછળ પાગલ હોય કે પછી માતા માટે દુનિયા ઉજાડનાર હોય, પરંતુ ફિલ્મોમાં હિંસા, ડ્રગ્સ અને સેક્સ્યુઅલ વાયોલન્સ દર્શાવવું સરળ નહીં રહે. જો નિર્દેશકો આવી ફિલ્મ બનાવી પણ લેશે તો પણ તેને દર્શકો સુધી પહોંચાડી શકશે નહીં. કારણ કે ફિલ્મો માટે જરૂરી સર્ટિફિકેશન તેમને મળી શકશે નહીં. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતમાં ફિલ્મ સર્ટિફિકેશનની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન્સમાં ફિલ્મોમાં યૌન હિંસા અથવા હિંસાને ‘હીરોઇક’ શૈલીમાં દર્શાવવા અંગે કડક ગાઇડલાઇન્સ લાવવામાં આવી છે. નવી ગાઇડલાઇન્સ 35 વર્ષ બાદ જાહેર કરવામાં આવી છે. તેમાં 1991ના અનેક જૂના સિદ્ધાંતો જાળવી રાખવામાં આવ્યા છે, પરંતુ કેટલાક જરૂરી ફેરફારો અને ડાયરેકશન્સ ઉમેરવામાં આવ્યા છે.
આ નવા ડાયરેકશન્સમાં મોટાભાગના પોઇન્ટ 1991ના જ છે, પરંતુ તેમાં હવે 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલો એ કે ડ્રગ્સ દર્શાવવા પર ફરજિયાત “સે નો ટુ ડ્રગ્સ” ચેતવણી દર્શાવવી પડશે અને બીજો, ફિલ્મ સર્ટિફિકેશનની ઉંમરના આધારે બનાવવામાં આવેલી નવી કેટેગરી.
1. હિંસા હીરોઇક નહીં: ફિલ્મોમાં હિંસા દર્શાવી શકાય છે, પરંતુ તેને “હીરોઇક”, આકર્ષક અથવા પ્રેરણાદાયક રીતે રજૂ ન કરવી જોઈએ. અપરાધ અને હિંસાને ગ્લેમરાઇઝ કરવા પર કડક નજર રહેશે.
2. યૌન હિંસા પર કડકાઈ: રેપ, યૌન શોષણ અથવા અન્ય પ્રકારની યૌન હિંસા ધરાવતા દૃશ્યોને ખૂબ જ સાવધાનીપૂર્વક દર્શાવવા પડશે. આવી સામગ્રીને સનસનાટીભરી અથવા મનોરંજનની જેમ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
3. ડ્રગ્સ દર્શાવવા પર ફરજિયાત ચેતવણી: જો ફિલ્મમાં નશીલા પદાર્થો (નાર્કોટિક્સ) દર્શાવવામાં આવે છે, તો સ્ક્રીન પર આ ચેતવણી આપવી ફરજિયાત રહેશે. એટલે કે ડ્રગ્સને કૂલ અથવા ફેશનેબલ દર્શાવવાને બદલે તેના નુકસાન અને કાયદાકીય પરિણામોની માહિતી આપવી પડશે.
4. નવી ઉંમર આધારિત UA કેટેગરી: અગાઉ માત્ર UA સર્ટિફિકેટ હતું. હવે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે: UA 7+ (7 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતાની સલાહ જરૂરી), UA 13+ અને UA 16+. તેનો હેતુ માતા-પિતાને એ સમજવામાં મદદ કરવાનો છે કે કઈ ફિલ્મ કઈ ઉંમરના બાળકો માટે યોગ્ય છે.
5. મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોનું અપમાનજનક ચિત્રણ નહીં: એવી સામગ્રીથી બચવા માટે કહેવામાં આવ્યું છે જે મહિલાઓ, બાળકો અથવા દિવ્યાંગ વ્યક્તિઓને નીચા દર્શાવે, તેમનો ઉપહાસ કરે અથવા તેમને અપમાનજનક રીતે રજૂ કરે.
6. સમાજવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન નહીં: અપરાધ, નશાખોરી, અસામાજિક વર્તન અથવા કાયદો તોડતી પ્રવૃત્તિઓને એવી રીતે દર્શાવી શકાય નહીં કે દર્શકો તેનાથી પ્રભાવિત થાય અથવા તેને અપનાવવા માટે પ્રેરિત થાય.
7. સાંપ્રદાયિક તણાવ વધારતી સામગ્રી પર નજર: એવી સામગ્રીથી બચવા માટે કહેવામાં આવ્યું છે જે વિવિધ સમુદાયો વચ્ચે નફરત, વૈમનસ્ય અથવા તણાવ વધારી શકે.
8. રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી સંબંધોનું ધ્યાન: ફિલ્મોમાં એવી સામગ્રી ન હોવી જોઈએ જેને ભારતની સાર્વભૌમતા, સુરક્ષા અથવા કોઈ મિત્ર દેશ સાથેના સંબંધોને નુકસાન પહોંચાડનારી માનવામાં આવે. નવી વ્યાખ્યાઓમાં વિદેશી દેશો સાથેના સંબંધોને લઈને પણ વધુ સ્પષ્ટતા ઉમેરવામાં આવી છે.
9. અશ્લીલતા અને વિકૃત યૌન સામગ્રી પર રોક: અત્યંત અશ્લીલ, અભદ્ર અથવા યૌન વિકૃતિઓને પ્રોત્સાહન આપતી સામગ્રીને લઈને જૂના પ્રતિબંધો યથાવત રહેશે.
10. પ્રાણીઓ પર ક્રૂરતા અને અત્યંત ભયાનક દૃશ્યો: બિનજરૂરી ક્રૂરતા, ખૂબ વધારે લોહિયાળ દૃશ્યો અથવા માત્ર આઘાત આપવા માટે બનાવવામાં આવેલા ભયાનક દૃશ્યો પર પણ સેન્સર બોર્ડ કડક નજર રાખશે.
મંત્રાલયે સેન્સર બોર્ડને સ્પષ્ટ સૂચના આપી છે કે ફિલ્મનું તેના સમગ્ર પ્રભાવના આધારે મૂલ્યાંકન કરવામાં આવે. એટલે કે માત્ર કેટલાક અલગ-અલગ દૃશ્યો જોઈને નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ સમગ્ર ફિલ્મને એકસાથે જોઈને તેની સમગ્ર અસર શું થઈ રહી છે, તે સમજવું જોઈએ. નવા માર્ગદર્શનમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડે એ જોવાનું રહેશે કે ફિલ્મ જે સમયગાળામાં બનાવવામાં આવી છે, તે સમયેના વર્તમાન ધોરણો શું છે. તે મુજબ ફિલ્મની તપાસ કરવી પડશે. સાથે જ એ પણ નક્કી કરવું પડશે કે ફિલ્મ દર્શકોની નૈતિકતાને બગાડે નહીં.

