અરૂણા અસફ અલી : ભારતરત્નથી સન્માનિત સ્વાતંત્ર્ય વીરાંગના
Wednesday, 09 November 2022
By: Gaurang jani
વિશ્વગુરુ બનવાના સ્વપ્ન જોતા આજના ભારતમા હિન્દુ મુસ્લિમ લગ્ન પણ સ્વપ્ન બની ગયું છે .આ લગ્નોની આસપાસ લવ જેહાદનો કાનૂન પણ બન્યો .નાત જાત ધર્મના ભેદભાવ વિના ભારતીયો પરણી શકે છે એવુ દેશનું બંધારણ કહે છે .આ બંધારણ અસ્તિત્વમાં આવ્યું ભારતની આઝાદી સંગ્રામના અનુભવોની પશ્ચાદ ભૂમિકામાં ! આ સંગ્રામની એક વીરાંગના અરૂણા ગાંગુલીએ સપ્ટેમ્બર ,૧૯૨૮માં માત્ર ૧૯ વર્ષની ઉમ્મરે તેનાથી ૨૧ વર્ષ મોટા મુસ્લિમ અસફ અલી સાથે લગ્ન કર્યા .અને હિન્દુ બંગાળી ઉપલી જ્ઞાતિઓમાં વિરોધ વંટોળ ઉમટી પડ્યો..અરૂણા અડગ રહી .એ સમયે પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું પણ બ્રાહ્મો સમાજના વિચારે રંગાયેલા પ્રગતિશીલ ગાંગુલી પરિવારની દીકરી અને વકીલ પતિએ વિરોધ ઝીલ્યો.અરૂણાના પ્રોફેસર મામાએ તો એટલે સુધી કહ્યું કે ભાણી તેમના માટે મરી ગઈ અને તેનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું.રવીન્દ્રનાથ ટાગોરની દીકરી મીરા અરૂણાની કાકી હતા .સ્વાભાવિક છે કે એ સમયના પ્રગતિશીલ લોકો હિન્દુ મુસ્લિમ લગ્નને પોંખે જ.અરૂણા અસફના લગ્નને પોંખનારાઓમાં હતાં મહાત્મા ગાંધી , પંડિત નેહરુ ,સરોજિની નાયડુ, સી રાજગોપાલાચારી અને મૌલાના આઝાદ !
અને હા અરૂણાના પતિ અસફ અલી એટલે ફાંસીની સજા પામેલા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો કોર્ટમાં બચાવ કરનાર વકીલ ! અસફ અલીએ તરુણી અરૂણાને વર્જિનિયા વુલ્ફ ,બર્નાર્ડ શૉ અને કાર્લ માર્કસનો પરિચય કરાવ્યો .નિષ્ઠાવાન કોંગ્રેસી અસફ અલી સાથે અરૂણા પણ નાની ઉમરે ગાંધી કોંગ્રેસ વિચારધારાથી રંગાયા . આવા અરૂણા અસફ અલી (૧૯૦૯ – ૧૯૯૬) ના રંગે ચાલો આપણે પણ આજે રંગાઈ જઇએ !
૧૬ જુલાઈ ,૧૯૦૯ ના દિવસે અરૂણા ગાંગુલીનો જન્મ એક બ્રાહમોસમાજી બંગાળી પરિવારમાં કાલકા,પંજાબમાં થયો હતો .પિતા રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા હતા .આપણે જોઈ ગયા તેમ રવિન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે નજીકનો નાતો. જે જમાનામાં છોકરીઓને કોઈ ભણવા જ ન દે ત્યારે પ્રગતિશીલ પિતાએ પુત્રી અરૂણાને સર્વોતમ શિક્ષણ આપ્યું . લાહોરની પ્રતિષ્ઠિત સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ શાળામાં અને પછી નૈનીતાલની ઓલ સૈન્ટ્સ કોલેજમાં ભણતર .સ્નાતક થયા પછી કલકત્તાની પ્રખ્યાત ગોખલે મેમોરિયલ સ્કૂલમાં ભણાવ્યું .
મહાત્મા ગાંધીના નેતૃત્વવાળા મીઠા સત્યાગ્રહમાં માત્ર ૨૧ વર્ષની અરૂણા સત્યાગ્રહી બને છે અને તેના પર રખડુ હોવાનો ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાય છે .વર્ષ ૧૯૩૧ માં ગાંધી ઇરવિન કરાર પછી અનેક સત્યાગ્રહીઓ જેલ મુક્ત થાય છે પણ અન્ય મહિલા સત્યાગ્રહીઓ જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી પોતે પણ જેલમાંથી મુક્ત નહિ થાય એવી ટેક લે છે અને મહાત્મા ગાંધીની દરમિયાનગિરિ તેમ જ વ્યાપક લોકસમર્થનને પગલે તેઓ જેલમાંથી છૂટે છે .
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું એક યાદગાર પ્રકરણ એટલે વર્ષ ૧૯૪૨ નું ભારત છોડો આંદોલન .આઠમી ઓગષ્ટે મુંબઈના કોંગ્રેસ અધિવેશનમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટી અંગ્રેજો ભારત છોડોનો ઠરાવ પસાર કરે છે .અને આ આંદોલન વ્યાપક ન બને એ માટે અંગ્રેજ હકૂમત મહાત્મા ગાંધી સહિત અનેક મોટા નેતાઓને જેલમાં પૂરી દે છે .આ સંજોગોમાં અન્ય કાર્યકરોની જેમ ૩૩ વર્ષની અરૂણા નેતૃત્વ સંભાળે છે .૯ મી ઓગષ્ટે મુંબઈની એક ઘટના ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય છે .મુંબઈના આજના આઝાદ મેદાનમાં( એ સમયે ગોવાળિયા ટેન્ક મેદાન ) એક મોટા જન સમુદાય વચ્ચે અરૂણા અસફ અલીએ કોંગ્રેસ ઝંડો લહેરાવ્યો ! એ સમયે લોકો ઉપર લાઠીમાર કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવેલો ! આંદોલન આગળ વધે એટલે ધરપકડથી બચવા અરૂણા ત્યાંથી ભૂગર્ભમાં ચાલ્યા ગયા . વર્ષ ૧૯૯૨ માં ભારત છોડોની સુવર્ણ જયંતિ નિમિત્તે ૮૩ વર્ષના અરૂણાએ આઝાદ મેદાનમાં ત્રિરંગો લહેરાવી એ યાદગાર ઇતિહાસને દોહરાવ્યો હતો .અત્રે નોંધનીય છે કે ભૂગર્ભ માં ગયેલા અરૂણાને દેશ વિરોધી પ્રવૃતિ માટે પોલીસ તેઓને પકડવા એવોર્ડ જાહેર કરે છે .એ સમયે તેઓની લથડતી તબિયત વિશેની અફવા ગાંધીજી પાસે પહોંચે છે ત્યારે ગાંધી અરૂણાને આત્મસમર્પણ કરી એવોર્ડના નાણાં હરિજન કલ્યાણ માટે વાપરવાની સલાહ આપે છે .પણ અરૂણા તેનો અસ્વીકાર કરે છે.અંતે જાન્યુઆરી ,૧૯૪૬ માં તેમની ધરપકડનું વોરંટ પાછું ખેંચવામાં આવ્યું.
કોંગ્રેસી અરૂણા વૈચારિક રીતે સમાજવાદી હતા એટલે કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના સભ્ય બન્યા હતાં.સમાજવાદી રામ મનોહર લોહિયા સાથે તેઓ કોંગ્રેસ પક્ષના સામયિક ‘ ઇન્કલાબ ‘ નું સંપાદન પણ કરતા હતા . કોંગ્રેસના સમાજવાદ વિશેના વિચારોની ટીકા કરતા અરૂણા પચાસના દાયકામાં ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા .સી પી આઈ ની મહિલા પાંખ ‘ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન ‘ ની રચનામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.પણ વર્ષ ૧૯૫૬ માં રશિયામાં ક્રશ્ચેવ – સ્ટાલિન મુદ્દે તેમણે સામ્યવાદી પક્ષ છોડ્યો.વર્ષ ૧૯૫૮ માં તેઓ દિલ્હીના મેયરપદે ચૂંટાયા હતા .આઝાદી બાદ ભારતના મહત્વના પ્રગતિશીલ વિચારો ધરાવતા અખબાર અને સામયિકો સર્જવામાં અરૂણાએ પાયાનું પ્રદાન કર્યું હતું.’ પેટ્ટીઓટ ‘ દૈનિક અને ‘ લિંક ‘ અઠવાડિકનો તેમાં સમાવેશ થાય છે .વર્ષ ૧૯૬૪ માં તેઓ પુનઃ કોંગ્રેસ પક્ષમાં જોડાયા . ઇન્દિરા ગાંધી સાથે તેઓને ઘરોબો હતો પણ કટોકટીનો તેમણે વિરોધ કર્યો હતો.
૨૯ જુલાઈ ,૧૯૯૬ ના રોજ ૮૭ વર્ષની ઉમ્મરે તેઓનું અવસાન થયું.ભારત સરકારે તેમના માંનમાં વર્ષ ૧૯૯૮ માં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી .ભારતનું સર્વશ્રેષ્ઠ સન્માન ‘ ભારત રત્ન ‘ તેઓને મરણોપરાંત મળ્યું હતું.તેમના જીવન વિશે કેટલાક ઉત્તમ.પુસ્તકો લખાયાં છે .અરૂણા અસફ અલી લિખિત કેટલાક પુસ્તકો છે જેમકે Words of Freedom: Ideas of Nation જવાહરલાલ નેહરુ વિશેનું પુસ્તક Private Face of a Public Person : A study of Javaharalal Nehru .
