દેવદાસી નૃત્યને ભરતનાટયમનું સન્માન અર્પતા નૃત્યાંગના !

newzcafe
9 Min Read

રૂકમણી અરુંડલે : દેવદાસી નૃત્યને ભરતનાટયમનું સન્માન અર્પતા નૃત્યાંગના !


By: Gaurang jani 


 


       આજે એ કલ્પનાતીત છે કે એક સદી પૂર્વે બ્રાહ્મણ પરિવારની યુવતી ત્રીસ વર્ષની ઉમ્મરે નૃત્ય શીખીને  ભારતીય નૃત્ય પરંપરાને વિશ્વભરમાં સન્માનિત કરે ! ભારતને અપાવેલું આ સન્માન એટલું પ્રભાવી હતું કે મોરારજી દેસાઈએ તેઓને દેશના રાષ્ટ્રપતિ બનવા નિમંત્રણ આપેલું ! આ અકલ્પનીય ઇતિહાસ સર્જ્યો છે તમિલનાડુના  રૂકમણી અરુંડલેએ (૧૯૦૪ – ૧૯૮૬ ) ! ગુજરાત સહિત દેશભરમાં ભરતનાટ્યમની તાલીમ લઈ આરંગેત્રમ યોજી ગૌરવ લેતી યુવતીઓ અને તેઓના પરિવાર કદાચ રૂકમણીને વિસરી ગયા હશે પરંતુ કલાની મજબૂત ભારતીય  પરંપરાઓનો વારસો એમ થોડો વિસરાઈ જાય ! ચાલો આજે આવી જ એક ગૌરવપ્રદ પરંપરાના જનક અને પદ્મભૂષણથી સન્માનિત રૂકમણી અરુંડલેના પ્રદાનને માણવા એક સદી પૂર્વેના દક્ષિણ ભારતમાં જઈ પહોંચીએ મીનાક્ષી દેવીના મંદિર શહેર મદુરાઇમાં ! ૨૯ ફેબ્રુઆરી ,૧૯૦૪ માં રૂકમણીનો જન્મ મદુરાઇ  માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો .આંઠ સંતાનોનું છઠ્ઠુ સંતાન અર્થાત્ રૂકમણી .૨૯ ફેબ્રઆરી એટલે લીપવર્ષ ! આ સંદર્ભે તેઓ  ૬૦ વર્ષના થયા ત્યારે ગમ્મતમાં કહેતા કે તેમની ઉંમર માત્ર ૧૬ વર્ષની જ છે !


          રૂકમણીના પિતા નીલકંઠ શાસ્ત્રી મદ્રાસ રાજ્યમાં એન્જિનિયર હતા અને સાથે સંસ્કૃતના પ્રકાંડ પંડિત પણ હતા .વૈચારિક રીતે બૌદ્ધ ધર્મનો પ્રભાવ  અને સાથે એની બેસન્ટના સમાજ સુધારાથી આકર્ષિત હતા .માતા સેશમાલ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના હતા અને સંગીતમાં ઊંડો રસ ધરાવતા હતા .પિતા સંતાનોને રોજ સાંજે સંકૃતમાં વાલ્મીકિ રામાયણ સંભળાવતા.પુત્રીઓને સંગીત ક્લાસમાં મોકલવામાં આવતી અને રૂકમણી નાનપણથી જ સંગીતમાં તેજસ્વી હતી.પિતા નીલકંઠ નિવૃત્ત થતાં વર્ષ ૧૯૧૮ માં આ પરિવાર મદ્રાસ ( આજના ચેન્નાઇ ) ના અદયાર વિસ્તારમાં સ્થાયી થયો .તેમના ઘરનું નામ ‘ બુદ્ધ નિવાસ ‘ હતું અને એ પણ સૂચક છે કે આ જ વિસ્તારમાં થિયોસોફિકલ સોસાયટીના ભારતીય કેન્દ્રની એ વર્ષોમાં સ્થાપના થઇ  ! પિતા નીલકંઠ શાસ્ત્રી અને તેમનો પરિવાર  થિયોસોફિકલ સોસાયટીના સક્રિય સભ્ય બને છે જેની આજીવન અસર રૂકમણીના કાર્યક્ષેત્ર પર રહી હતી.


          વર્ષ ૧૯૧૯ માં  મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અહિંસક માર્ગે સત્યાગ્રહની શરૂઆત થાય છે .આ સમયે  થીયોસોફી વિચારધારા ધરાવતા  એની બેસન્ટના હોમરૂલ આંદોલનની  મહાત્મા ગાંધી પ્રસંશા કરે છે.આ વાતાવરણમાં રૂકમણી માત્ર ૧૪ વર્ષની ઉમરે થિયોસોફિકલ સોસાયટીની સભ્ય અને સ્વયંસેવક બને છે . તેને કારણે મહત્વની વ્યક્તિઓના ભાષણો સાંભળે છે .મદ્રાસની આસપાસના ગામોમાં ભજન ગાતાં સાથે લોકોને   આરોગ્યના પાઠ ભણાવે છે અને પ્રાણીઓનો બલી ચડાવવાની પ્રથા સામે જાન જાગૃતિ કરે છે .


              રૂકમણીના જીવનમાં થીયોસોફી વિચારધારા તેની કિશોરાવસ્થામાં જ ધરખમ પરિવર્તન લાવે છે જે તેઓના અનેકવિધ પ્રદાનોમાં સતત પ્રતિબિંબિત થાય છે .આ દિશાનું પ્રથમ કદમ એટલે વિદેશી જ્યોર્જ અરુંડલેનું રૂકમણીના જીવનમાં પ્રવેશવું .જ્યોર્જ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણાવવા આવ્યા હતા એ સમયે  મદ્રાસમાં નીલકંઠ શાસ્ત્રીને મળવા  આવે છે.આ મુલાકાત રૂકમણીનું જીવન બદલી નાખે છે .જ્યોર્જ અને રૂકમણી પરસ્પર આકર્ષિત થાય છે અને જ્યોર્જ ૧૬ વર્ષની રૂકમણીનો હાથ સંગાથ માંગે છે .પોતાનાથી ૨૬ વર્ષ મોટા વિદેશી જ્યોર્જ સાથે ૨૭ ,એપ્રિલ ,૧૯૨૦ ના દિવસે રૂકમણી શાસ્ત્રી ,રૂકમણી અરુંડલે બને છે.પરિવાર અને સમાજથી દૂર છેક  મુંબઈમાં તેઓ સિવિલ મેરેજ કરે છે ..રૂકમણીનો પરિવાર અને મદ્રાસનો સમાજ આ લગ્નથી ભારે આઘાત અનુભવે છે .


          નવ પરણિત યુગલ મુંબઈમાં સહજીવન શરૂ કરે છે .જ્યોર્જ પત્નીને અંગ્રેજી ભાષા અને પશ્ચિમની ફિલોસોફી શીખવે છે.મુંબઈ પછી અરુંડલે દંપતિ ઇન્દોરમાં સ્થાયી થાય છે જ્યાં મહારાજા હોલકર જ્યોર્જને તેમના રાજ્યના શિક્ષણ પ્રધાન બનાવે છે. આપણા કેટલાક દેશી રાજ્યો કેવા પ્રગતિશીલ હતા તેનો આ પુરાવો છે.પતિ પત્ની બને ભારતીય શિક્ષણ પરંપરાના હિમાયતી હતા .ઇન્દોરથી તેઓ  મદ્રાસના અદયારમાં પાછા આવે છે અને રૂકમણી એની બેસન્ટ દ્વારા સ્થાપિત ,1921 ક્લબ ‘ માં સક્રિય બને છે .આ ક્લબની સ્થાપના એની બેસંટે ભારતીય કલાના પુનઃ નિર્માણ માટે કરી હતી.તેના માટે રવીન્દ્રનાથ ટાગોર,હરિન્દ્રનાથ ચટ્ટોપાદ્યાય ,સરોજિની નાયડુ અને લિયોપોલ્ડ સ્તોકોવસકી અડ્યાર આવે છે .


             અત્યાર સુધીના  રૂકમણીના જીવનમાં નૃત્યનો પ્રવેશ જ થયો ન હતો પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ એક નવી જ દિશાનું નિર્માણ કરે છે . વર્ષ ૧૯૨૪ માં પતિ જ્યોર્જ રૂકમણીને ઇંગ્લેન્ડ લઈ જાય છે .ત્યાં એ મશહૂર રશિયન બેલે ડાંસર પાવલોવાનો ડાન્સ શો જુએ છે અને ડાન્સ પ્રત્યે આકર્ષાય છે.નસીબજોગે થોડા સમય પછી અરુંડલે દંપતિ થીયોસોફી ના વિશેષ અભ્યાસ માટે  ઓસ્ટ્રેલિયા જતા દરિયાઈ માર્ગે સિંગાપુર  અને જાવા  જાય છે ત્યારે એ જ વહાણમાં રૂકમણી ને પાવલોવાનો  ભેટો થઈ જાય છે .આ સફર દરમ્યાન પાવલોવા રૂકમણીને  ડાન્સ વિશેની સમજ આપે છે અને ભારતીય નૃત્યશૈલિમાં રૂકમણીએ તૈયાર થવું જોઈએ એવી સલાહ આપે છે .અને  આમ ભારતની વિશ્વપ્રસિદ્ધ નૃત્યાંગનાની કારકિર્દીની પાયો નંખાય છે એક રશિયન ડાંસરના માર્ગદર્શનથી અને તે પણ.મધદરિયે !


         વર્ષ ૧૯૩૨ના ડિસેમ્બરમાં રુકમણી પ્રથમવાર મદ્રાસની મ્યુઝિક એકેડેમીમાં ” આદિર ” નૃત્ય જુએ છે .આ નૃત્ય જાણીતી નૃત્યાંગના  પંડનલુર બહેનો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું .આ નૃત્ય દેવદાસી પરંપરાનું હતું કે મંદિરોમાં ભજવાતું.ધર્મના નામે દેવદાસી મહિલાઓનું શોષણ એ સમયે ચારેકોર હતું.આ નૃત્ય પ્રકાર શીખવાનું બીડું ઝડપ્યું રૂકમણીએ.એ સમયના જાણીતા નૃત્યગુરુ મીનાક્ષી સુન્દરમ્ અને ગોવરી અમલ નામની દેવદાસી પાસે રૂકમણીએ ત્રણ વર્ષ સુધી નૃત્યની તાલીમ લીધી . દેવદાસીઓના નૃત્યને રૂકમણીએ નવા રૂપ અને રંગ આપ્યા .કામુકતાને સ્થાને સૌન્દર્ય સાથેની ભક્તિ અને એ મુજબના ગીતો અને નાટ્યનો આધાર લઈને 


રૂકમણીએ આ નૃત્યને ભરતનાટ્યમ રૂપે ઢાળી દીધા .જાન્યુઆરી ,૧૯૩૬ માં થીયોસોફિકલ સોસાયટીના ડાયમંડ જ્યુબીલી ઉજવણીના ભાગરૂપે મદ્રાસના અડયારમાં રૂકમણીએ  જાહેરમાં પોતાનું સૌ પ્રથમ  નૃત્ય રજૂ કર્યું અને તેની સાથે પરંપરાગત દેવદાસી નૃત્યકલાને  મંદિર સિવાય અન્યત્ર ફેલાવવાની શરૂઆત કરી.આ કાર્યક્રમમાં નોબેલ સન્માનિત વૈજ્ઞાનિક સી વી રામન પણ હાજર હતા . રૂકમણીનું નૃત્ય જોઈ તેમનો પ્રતિભાવ હતો ,” Some of you ,I hope – for your sakes all of you – must have been thrilled by what you just witnessed….grace brought down from the heights of the Himalayan and put on the earth of this platform.”


જાન્યુઆરી ,૧૯૩૬ માં તેમણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આર્ટસ ની સ્થાપના કરી .નૃત્યની તાલીમ સાથે ભારતીય ગુરુકુલ પરમ્પરા સાથે કળા ,ક્રાફટ ,ભોજન ,ભાષાઓ ,સંસ્કૃતિ ની.તાલીમ આપવા ‘ કલાક્ષેત્ર ‘ સંસ્થાની સ્થાપના કરી.જ્યાં ખુલામાં વૃક્ષો નીચે શિક્ષણ આપવામાં આવતું હતું.સ્થાનિક કારીગરોને ઉતેજન મળે એ હેતુથી અડયાર વિસ્તારની પરંપરાગત સાડી બનાવવાની ભુલાતી કળાને રૂકમણીએ ઉતેજન આપ્યું.તેઓની સંસ્થામાં પહેલીવાર બ્રાહ્મણ.પરિવારોએ તેમના બાળકોને ભરતનાટ્યમ શીખવા મોકલ્યા . નૃત્યગુરુ રૂકમણીએ ભારતના વૈશ્વિક પ્રતિષ્ઠાપ્રાપ્ત વિદ્યાર્થીઓને કલાદીક્ષા આપેલી જેમાં સમાવિષ્ટ છે રાધા બર્ણીઆર ,અંજલિ મેહર ,કમલાદેવી ચટોપાદ્યાય,સંજુક્તા પ્રાણીગ્રહી,યામિની કૃષ્ણમુર્તિ અને લીલા સેમસન .લીલા સેમસને અંગ્રેજીમાં ગુરુ રૂકમણીનું જીવનચરિત્ર  સર્જ્યું.આ પુસ્તકનું નામ છે ‘ Rukmini Devi : A life !શિક્ષણની મોન્ટેસરી પદ્ધત્તિના સર્જક ડો મારિયા મોન્ટેસરીને અરુંડલે દંપતીએ વર્ષ ૧૯૩૯ માં ભારતમાં નિમંત્રિત કર્યા મારિયાએ ‘ બેસંટ થીયોસોફિકલ હાઇસ્કુલ’ ની શરુઆત કરી હતી .


          નૃત્ય ઉપરાંત શાકાહારને ઉતેજન આપવાની શરૂઆત રૂકમણીએ કરી.પંડિત નેહરુએ શરૂ કરેલી શાકાહાર અને પ્રાણી  કલ્યાણની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તેઓ સભ્ય હતા . રૂકમણીના પ્રયત્નોથી જ દેશની લોકસભા દ્વારા વર્ષ  ૧૯૬૦ માં The Prevention of Cruelty to Animals Act બન્યો અને અમલમાં આવ્યો .તેઓ ભારતમાં સૌપ્રથમ  રાજ્યસભાના નિયુક્ત મહિલા સભ્યનું માન ધરાવે છે.તેઓને બે વખત આ સભ્યપદ મળ્યું હતું.વર્ષ ૧૯૫૬માં તેઓને પદ્મભૂષણ થી નવાજવામાં આવ્યા .મધ્યપ્રદેશ સરકારનું કાલિદાસ સન્માન તેઓને મળ્યું.સંગીત નાટક એકેડેમી એવોર્ડ પણ તેઓના નામે છે.વર્ષ ૧૯૮૭ માં ભારત સરકારે તેઓના માનમાં ટપાલ.ટિકિટ પણ.બહાર પાડી હતી.૨૪ ફેબ્રઆરી ,૧૯૮૬ માં તેઓનું અવસાન થયું.

Share This Article