બાળપણ ની દુનિયા ના ગિધાભા…..
Wednesday, 09 November 2022
By: Ambu patel
ઈશાની ખૂણે ઊંડાણમાં વીજળીના ચમકારા દેખાવાની શરુઆત થાય. ઝાડવા ઉપર કાગડા માળા બાંધે ને બફારો એની ચરમસીમાએ પહોંચે એટલે ગામમાં સહુ કહે કે ચોમાસુ ઢુંકડું આવી ગયું. ગામના ચોરે બેસતા વડીલો માં ચર્ચા નો મુખ્ય વિષય ‘ ચોમાસુ’ થઈ જાય. ભડલી ના વાક્યો, ચોમાસા સંબંધી કહેવતો , ભૂતકાળ માં વરસાદ ને અભાવે વેઠેલાં દુકાળ અને બારેમેઘ ખાંગા થયા પછી ની પુર હોનારત ની વાતો ઘુમરાયા કરે.
અમારે તો ઉપર ની એકેય વાતો સાથે કોઈ જ લેવા દેવા નહોતી…! અમારી ઉંમર ત્યારે માંડ દસ- બાર વરસ ની આસપાસ.. અમારું બાળપણ ને એ બાળપણ ની અમારી આગવી ટોળી…. ઇતિયો સોની , ઘોઘો, મગલો ને બીજા પાંચ- સાત ભેરૂબંધો…
ભલે અમારે એ ચોરા માં બેસેલા વડીલો ની ચોમાસા ચર્ચા સાથે લેવાદેવા નહોતી. પરંતુ, અમારે ચોમાસા સાથે તો લેવાદેવા હતી . ચોમાસુ આવતું એટલે અમારે ભમરડા ની સીઝન આવતી. ગામ ની દુકાન માં રંગબેરંગી ભમરડા દેખાવા ની શરૂઆત થાય. ભમરડા ની આર અને મે (વરસાદ) ની ધાર….. આ કહેવત હતી. છોકરાઓ ભમરડે રમે તો ચોમાસુ જલ્દી આવે તેવી લોકમાન્યતા પણ ખરી. એ વખતે હજુ પ્લાસ્ટિક નું ચલણ નહોતું. કદાચ પ્લાસ્ટિક શબ્દ ગામલોકો ની રોજબરોજ ની જિંદગીમાં જોડાયો નહોતો. હા, ક્યાંક ક્યાંક કચકડા નામનો શબ્દ પ્રચલિત થઈ રહ્યો હતો. પરંતુ, અમારે તો ભમરડા સાથે લેવાદેવા હતી. એ વખતે લાકડા ના ભમરડા ને તળિયે અણીદાર આર જેના ઉપર ભમરડો ગોળ ફરે એ મોટાભાગે લોખન્ડ ની ખીલી ને ભમરડા ના તળિયે બેસાડી ને પથ્થર ઉપર ઘસી ને અણીદાર બનાવવામાં આવતી. એ ખીલી બેસાડવી બાળકો માટે ખૂબ અઘરી પડે. એટલે અમે ભમરડો લઇ ને ખીલી બેસાડવા ગીધા લુહાર ની દુકાને જતા. જોકે અહીંયા સમજણ માટે જ દુકાન શબ્દ નો ઉપયોગ કર્યો છે. નહિતર ગીધા લુહાર ની એ દુકાન નહોતી .પણ , ગામલોકો એને ગીધાભા ની કોડ કહેતા. હા , એ કોડ માં ગીધભા આખો દિવસ ખેત ઓજારો બનાવતા. લોખન્ડ ને ભઠ્ઠી માં લાલચોળ કરી તેને આકાર આપતા. તેમનું ઘણ મશીન સતત ફર્યા કરતું. તેનો એક વિશિષ્ટ પ્રકાર નો અવાજ ચોતરફ ધણધણાટી બોલાવ્યા કરતો.
બેઠી દડી અને દુબળો બાંધો , માથા ઉપર ટોપી પહેરી ને ગીધા લુહાર એક ખાડામાં ઉભા રહી ને ઘણમશીન ચલાવ્યા કરતા. ઘણ મશીન ની નીચે સળગતી ભઠ્ઠી માંથી લાલચોળ થયેલા લોખન્ડ ને ઘણ મશીન ના યાંત્રિક હથોડા નીચે મૂકી સતત ટીપ્યા કરતા. ક્યારેક ખિસ્સામાંથી બીડી કાઢી હોઠ ના એક ખૂણે દબાવી બીડી નો કશ ખેંચી લેતા.
અમે ગીધાભા લુહાર ની કોડે જઈ ને ઉભા રહેતા. અમારા હાથમાં ભમરડા જોઈને ગીધભા આખી વાત સમજી જતા.
ભમરડા ની આર નખવવા આયા છો ને ? ….. ગીધાભા અમને પૂછતાં.
જવાબ માં અમે માત્ર ડોકું ધુણાવતા…
ગીધાભા તરત જ તેમના ઘણ મશીન ને બંધ કરતા …તેમની કોડ માં નીરવ શાંતિ પથરાઈ જતી. એક ભીંત કબાટ માં થી લોખન્ડ ની નાનકડી એરણ, હથોડી સહિત નો સામાન કાઢી ને અમારું કામ હાથ ઉપર લેતા.
આર બેસાડી ને તેને અણીદાર પણ બનાવી આપતા. ભમરડા ને આર બેસાડતી વખતે એ અમારી સાથે સતત વાતો કરતા રહેતા. એ વાતો માત્ર ભમરડા વિશેજ રહેતી. કયો ભમરડો વધુ સારો.. લાંબી આર કેવા ભમરડા ને વધુ સારી.. ભમરડા ની દોરી ને મધમાખી નું મીણ પીવડાવો તો ભમરડો સરળતાથી છૂટો થાય… બહુ લાંબી આર રાખો તો ભમરડો તડતડીયો થઈ જાય… ગિધાભા નું ભમરડા જ્ઞાન અમે ઉત્સુકતા પૂર્વક સાંભળતા રહેતા. તેમની પાસે વાત કરવાની એક આગવી શૈલી હતી. ભમરડા ને આર નાખતી વખતે ગીધાભા સતત અમારી સાથે વાતો કરતા રહેતા. હા, વાત કરતા એ કયારેય અમારી સામું નજર સુધ્ધા ન કરતા. એ તો ભમરડાની આર બેસાડવામાં જ મશગુલ રહેતા. તેમની વાત નો અમારા ઉપર કેવો પ્રભાવ પડે છે તે જાણવાની તમાં રાખ્યા વગર એ બોલ્યા કરતા. જોકે અમને બધા ને ગીધાભા ની વાતો ગમતી. માત્ર ગમતી એટલું જ નહીં એ વાત ને અમે ઉત્કંઠા પૂર્વક સાંભળતા. બપોરે ઘેર થી તેમના માટે ચા લઈ ને તેમના પત્ની આવતા. પિત્તળ ની રકાબી માં નિરાંતે ચા પીતાં ગીધાભા ને જોઈ એમનેય ચા પીવાનું મન થઇ જતું. ચા પીવાઈ જાય પછી અમે ગીધાભા ને કહેતા ચા પછી બીડી…..
ના… અત્યારે બીડી નઈ.. ધુમાડો તમને નુકસાન કરે… ને ગીધાભા અમને વ્યસન ન કરવાની શિખામણ આપતા. ક્યાં ચોઘડિયે અમે બીડી ના બંધાણી થયા એ ખબર ન રહી તેવું કહેતા ગીધાભા અમારા શ્વાસ માં ધુમાડો ન જાય એ સારું બીડી પીવાનું ટાળતા..
દરેક ના ભમરડા ને આર નખાઈ જાય એટલે ગીધાભા નો આભાર માનવાની કે મજૂરી ના પૈસા આપવાની તમાં રાખ્યા વગર અમે દોડી ને નીકળી જતા. અમે પાછળ વળી ને ક્યારેય નજર નહોતી કરી ગીધા લુહાર નો ચહેરો જોવાની. ને ગીધાભા એ ક્યારેય કોઈ ને દબાતા સાદે ય પૈસા નું કીધું જ નહોતું. બાળકો ની મોટી ટોળકીઓ ને ભમરડા ની આર નાખવા માં અડધો દિવસ વીતી જતો. એ વખતે અમને યાદ આવ્યું જ નહીં કે આર નાખવાનું મહેનતાણું હોઈ શકે… ને અમારી જેમ ગીધભા ને ય કોઈ એ પૂછ્યું નહીં કે બધા કામ પડતા મૂકી ને તમે બાળકો ના ભમરડા ને મહેનતાણું લીધા વગર આર કેમ બેસાડી આપતા હતા !!!..
ફરી એક વાર ચોમાસુ આવ્યું. ગીધાભા ની કોડ હવે લાંબા સમય થી બંધ રહેતી હતી. ભમરડા લઈ ને અમે રોજ બેસી રહેતા. પણ ગીધાભા કોડે આવતા નહોતા. કોઈ કહેતું ગીધાભા ને કેન્સર નું નિદાન થયું છે. જિલ્લા મથકે દાખલ કર્યા છે. ….
એક દિવસ નિશાળ થી છૂટી ને ઘેર જતી વેળાએ સ્મશાન તરફ નનામી લઈ ને જતા ગામલોકો ને જોયા…. કોઈ એ કહ્યું ગીધા લુહાર ગયા. કેન્સર હતું જડબા નું….
ગીધાભા અમારા બાળપણ ના ભેરૂ નહોતા… કે નહોતા કોઈ ગામ આગેવાન. એક પણ પૈસો લીધા વગર તેમણે અમારા ભમરડા ને કાયમ ફરતો રાખ્યો હતો. બાળકો સામે ક્યારેય બીડી ન પીવાય એમ કહી ગીધાભા તમે તમારી બીડી ની તલપ ને મહાપરાણે દબાવી હશે. એ આજે અમે મોટા થયા પછી સમજાય છે… અમારી બાળપણ ની દુનિયા માં તમે શું હતા ગીધાભા???… અમે તો આજે પણ કહીએ છીએ કે તમે અમારા “ગીધાભા “હતા…..
