આવતા વર્ષે નર્મદાનાં લાખો એકર ફીટ વધારાનાં પાણી કચ્છને મળશે

Reena Brahmbhatt
6 Min Read

ભુજ, તા. 4 : કચ્છમાં ભલેને વરસાદ ન હોય તો પણ કચ્છના જળાશયો નર્મદાનાં નીરથી બારેમાસ લહેરાતા હોય એ માટે ચોમાસા દરમ્યાન ઓવરફ્લો થતાં નર્મદાનાં વધારાનાં પાણી રાજ્યમાં ત્રણ સ્થળે ફાળવવાના નિર્ણય પૈકી એક મિલિયન એકર ફીટ જળરાશિ કચ્છને આપવાની લાંબા સમયની ઇંતેજારીનો અંત આવ્યો ને તમામ મંજૂરીઓ અપાઇ ગઇ ને જોતજોતામાં કચ્છ માટે જીવાદોરી ગણાતી નર્મદાનાં પાણીથી પાઇપલાઇન વાટે ડેમ ભરવાની યોજનાનાં કામો ત્રણ યોજના હેઠળ યુદ્ધના ધોરણે શરૂ થઇ ગયા હોવાથી આગામી 2025ના વર્ષમાં કચ્છને પૂરતું પાણી મળતું થઇ જશે એ દિશામાં પાઇપો પાથરવાથી માંડી મહાકાય પમ્પિંગ સ્ટેશન ધમધમે છે.

water narmada kutch

- Advertisement -

18 વર્ષ પહેલાં લેવાયેલા નિર્ણય બાદ યોજના હવે આકાર લઇ રહી છે, ત્યારે અત્યારે કચ્છ સધર્ન લિંક, નોર્ધન લિંક અને સારણ લિંક એમ ત્રણ યોજના હેઠળનાં કામો પ્રગતિમાં હોવાથી નર્મદા નહેરની મુખ્ય શાખા થકી મોકડુબા સુધી સિંચાઇનાં પાણી પહોંચી ચૂક્યાં છે. નર્મદાથી વંચિત રહેલા કચ્છના બાકીના વિસ્તારને વધારાના એક મિલિયન એકર ફીટ પાણી પાઇપલાઇન વાટે પહોંચાડવાનું આયોજન હવે મૂર્તિમંત થયું છે. 2006માં કચ્છના અછતવાળા વિસ્તાર માટે એક મિલિયન એકર ફીટ પાણી ફાળવી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા મળ્યા બાદ સાત યોજના બનાવવામાં આવી હતી. સારણ, બન્ની, સધર્ન, નોર્ધન, હાઇ કન્ટુર, સ્ટોરેજ, હાઇ કન્ટુર કેનાલ, એક્સટેન્શન ઓફ કે.બી.સી., ડાયરેક્ટ ફિલિંગ કે.બી.સી. પૈકી સારણ, નોર્ધન અને સધર્ન આ ત્રણ યોજનાનું કામ ચાલુ થઇ ચૂક્યું હોવાને સત્તાવાર સમર્થન સાથે વિગતો મળી હતી. કચ્છ સિંચાઇ વિભાગ દ્વારા નર્મદાનાં વધારાનાં પાણી યોજનાનાં કામો શરૂ કરવામાં આવ્યા હોવાથી ચાર્જમાં રહેલા અધીક્ષક ઇજનેર અરમન સાવલિયાનો સંપર્ક સાધતાં તેમણે `કચ્છમિત્ર’ને વિસ્તૃત વિગતો આપી હતી. આંકડાઓની દૃષ્ટિએ જોઇએ તો આ જિલ્લાના કુલ 45,650 ચો. કિ.મીના ભૌગોલિક વિસ્તારમાં માત્ર 8,028 ચો. કિ.મી. વિસ્તાર જ ખેતીલાયક છે, જ્યારે બાકીના 3,855 ચો. કિ.મી. વિસ્તારમાં રણ, જંગલ અને ગૌચર છે.

આ જિલ્લામાં સરેરાશ 347 મિલિમીટર જેટલો વરસાદ પડે છે, જે રાજ્યના સરેરાશ વરસાદ કરતાં લગભગ અડધો છે. આ જિલ્લામાં કોઇ બારમાસી મોટી નદી પણ નથી, જેથી અહીં મોટી સિંચાઇ યોજનાઓ વિકસી શકી નથી. પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને નર્મદાના પૂરના વધારાના વહી જતા ત્રણ મિલિયન એકર ફીટ પાણીમાંથી એક મિલિયન એકર ફીટ કચ્છને ફાળવવાની ઐતિહાસિક યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે આગળ વધી રહેલી આ યોજના હેઠળ કચ્છને આગામી વર્ષ 2025 સુધીમાં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળતું થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ યોજનાની સધર્ન તથા હાઇ કન્ટુર લિંકના પ્રથમ તબક્કાની અંદાજિત કિંમત રૂા. 2010.99 કરોડ છે, જેમાં અંજાર તાલુકાના ટપ્પર ડેમમાંથી માંડવી તાલુકાના દરશડી ડેમ સુધી તથા ભુજના જામારા ડેમ સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. લિંકથી કુલ 25 સિંચાઇ યોજના થકી અંજાર, મુંદરા, માંડવી અને ભુજ તાલુકાના કુલ 48 ગામના 38,824 હેક્ટર વિસ્તારને લાભ થશે. ટપ્પર ડેમ પાસે એક પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યંyં છે, જેમાં કુલ 14 પમ્પ થકી પાણી 16.42 કિલોમીટરની બે સમાંતર પાઇપલાઇન મારફત વરસામેડી જળાશય સુધી તેમજ તેનાથી આગળ રાતાતળાવ ખાતે બીજા પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. આ પમ્પિંગ સ્ટેશનમાં કુલ 14 પમ્પ મૂકવામાં આવશે. અત્યારે 62 કિ.મી. સુધી પાઇપલાઇનનું કામ પૂર્ણતા ભણી છે, જ્યારે મોટા ત્રણ પમ્પિંગ સ્ટેશનનું પણ ઝડપભેર નિર્માણ થાય છે. સૌથી મોટી 9.50 ફીટની પાઇપલાઇન પાથરવામાં આવી છે. અહીંથી કુલ ત્રણ લાઇન નીકળશે, જેમાં બે સમાંતર લાઇન અને એક સિંગલ લાઇન હશે. ભલોટ ફીડર, ફાચરિયા ફીડર, ફોટ ફીડર, કારાઘોઘા ફીડર અને કણજરા ફીડરમાં પાણી નાખવામાં આવશે. અહીંથી આગળ સિંગલ લાઇન દ્વારા ચુનડી ફીડરમાં પાણી ભરવામાં આવશે. સિંગલ લાઇન દ્વારા દરશડી સુધી પાણી લઇ જવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. રસ્તામાં રત્નાલ ફીડરમાં પાણી ભરાશે. પમ્પિંગ સ્ટેશન એકમાં કુલ ચાર પમ્પ મૂકવામાં આવશે. અહીંથી આગળ સિંગલ લાઈન જેની કૂલ લંબાઈ 34.602 કિ.મી. છે, તેના દ્વારા લેર ફીડર અને નારણપર ફીડરમાં પાણી નાખવામાં આવશે, જે અંતે ભુજના જમારા સુધી પહોંચશે.

- Advertisement -

નોર્ધન લિંક શું છે? આ વિશે પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે, નોર્ધન લિંક ફેઝ પ્રથમ તબક્કામાં રૂા. 1394.11 કરોડના ખર્ચે અંજાર તાલુકાના ટપ્પર ડેમથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી 70.8 કિલોમીટરની પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવનારું છે. કુલ 12 સિંચાઈ યોજના લાભાન્વિત થશે, જેનાથી નખત્રાણા અને ભુજ તાલુકાના કુલ 22 ગામના 36,392 હેકટર વિસ્તારનો કાયાકલ્પ થશે અને 37,896 લોકોને પૂરતાં પાણીની ભેટ મળશે. જ્યારથી નર્મદાના પગરણ કચ્છમાં થયા છે ત્યારથી વાગડ વિસ્તારની કાયા પલટ થવા લાગી છે. રાપર તાલુકામાં અનેક ગામોએ નર્મદાનાં નીરનો લાભ લઈને વાવેતર અને ઉપજમાં આ તાલુકાને મોખરે રાખ્યો છે. આ દિશામાં કાર્યરત થઈ રહેલી ત્રણ લિંક પૈકીની એક લિંક છે સારણ લિંક. સારણ અંતર્ગત રૂા. 712.91 કરોડના ખર્ચે કચ્છ શાખા નહેરમાંથી રાપર તાલુકાના સારણ જળાશય માટે પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી રાપર તાલુકાના આઠ ગામના 29,000 હેકટર વિસ્તારને લાભ થશે. એમ શ્રી સાવલિયાએ જણાવ્યું હતું. સારણ લિંકમાં બે પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાંથી એક ફતેહગઢ ખાતે છે, જેમાં કુલ સાત પંપ મૂકવામાં આવશે. અહીંથી એક લિંક દ્વારા પાણી સારણ જળાશયમાં ભરવામાં આવશે, જ્યારે 13.68 કિલોમીટરની ઉદવહન પાઈપલાળન થકી પાણી જંક્શન-એ સુધી પહોંચાડવામાં આવશે. સારણ જળાશય પાસે પણ એક પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ચાર પમ્પ મૂકવામાં આવનારા છે. આ પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેશરાઈઝ્ડ પાઈપ નેટવર્ક થકી પાણીનું ઉદવહન કરીને જંકશન-એ સુધી પહોંચાડવામાં આવશે.

Share This Article