અમદાવાદ, તા. 16 : આગામી 21 થી 23 ઓગસ્ટના ત્રિદિવસ વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે, એમ રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. મહત્વનું છે કે, વિધાનસભાના સત્ર વચ્ચે 6 માસનો સમયગાળો રાખવાનું નિયત થયું છે. જે મુજબ, 28 ઓગસ્ટના અગાઉના વિધાનસભા સત્રની તારીખ પ્રમાણે 6 માસ પુરા થાય છે. જેથી રાજ્યસરકારે આગામી 21 થી 23 ઓગસ્ટના વિધાનસભા નું ચોમાસું સત્ર યોજવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યસરકાર આ ચોમાસું સત્ર અંગે હવે રાજ્યપાલને જાણ કરશે અને રાજ્યપાલ ચોમાસુ સત્રનું આહવાન કરશે. બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ચોમાસુ સત્રની અવધી ત્રણ દિવસના બદલે દસ દિવસની કરવાની માંગણી કરવામાં આવી છે પરંતુ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ ત્રણ દિવસના સત્રમાં જ સરકારની જે કાર્યવાહી થવાની છે તે પૂર્ણ થઈ શકે તેમ છે તેથી સત્રને દસ દિવસનું કરવાનો કોઈ અવકાશ નથી. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ ત્રણ દિવસના સત્રમાં તાજેતરમાં ઘટેલી હરણી બોર્ડ દુર્ઘટના, રાજકોટની ગેમ ઝોન ઘટના, સુરેન્દ્રનગરમાં થયેલી બિન કાયદાકીય ખાણમાં મજૂરોના મોત, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે વિધાનસભા ગજવવાની કોશિશ કરવામાં આવશે રાજ્ય વિધાનસભાની 182 બેઠકોમાંથી હાલ ભાજપ પાસે 161, કોંગ્રેસ પાસે 13, આપ પાસે 4 અને બે અપક્ષ થઈને કૂલ સંખ્યા બળ 180 નું છે જ્યારે એક બેઠક પરથી આપના ધારાસભ્યે રાજીનામું આપ્યું છે જ્યારે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી જીતતા તેમણે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપતા હવે આ બે બેઠકો પર ગમે ત્યારે પેટા ચૂંટણી યોજાશે.

