અપુલિયા, તા. 14 : કેન્દ્રમાં એનડીએની નવી સરકારની રચના બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસમાં જી-7 સંમેલન માટે ઇટાલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના પી.એમ. જોર્જિયા મેલોની, બ્રિટનના વડાપ્રધાન રિષિ સુનક, યુક્રેનના પ્રમુખ વોલ્દોમિર ઝેલેન્સ્કી સહિતના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

તેમણે ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં કહ્યું હતું કે, રશિયા-યુક્રેન ઘર્ષણના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારત તેનાથી બને તેવા તમામ શક્ય પ્રયાસ માટે તૈયાર છે. યુક્રેન-રૂસ યુદ્ધ વચ્ચે આયોજિત જી-7 શિખર મંત્રણા પર દુનિયાભરની નજર છે અને ભારતીય પી.એમ.ને પણ આમંત્રણ મળ્યું છે, ત્યારે મોદીના અભિગમ પર પણ વિશ્વની મીટ છે. મોદીએ `એક્સ’ પર કહ્યું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ખૂબ ફળદાયી બેઠક રહી. ભારત યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માગે છે. ભારત `માનવ કેન્દ્રિત’ અભિગમમાં વિશ્વાસ રાખે છે.
યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે ભારત તેના માધ્યમથી બધું કરવાનું ચાલુ રાખશે. અમારું માનવું છે કે, શાંતિનો રસ્તો સંવાદ અને મુત્સદીગીરી દ્વારા છે.’ `એક્સ’ની પોસ્ટમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેમણે અને મોદીએ શાંતિ સમિટ અને તેના એજન્ડા પરના મુદ્દાઓ વિશે વાત કરી અને તેમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ મોકલવા બદલ મોદીનો આભાર માન્યો હતો.

