Bolivia Military Base Explosion: બોલિવિયામાં સૈન્ય મથક પર વિસ્ફોટ, ઓછામાં ઓછા 15 લોકોનાં મોત, 62 ઘાયલ

Arati Parmar
2 Min Read

Bolivia Military Base Explosion: બોલિવિયામાં એક સૈન્ય મથક પર થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં છે. શુક્રવારે બોલિવિયાની રાજધાની લા પાજથી આશરે 30 કિલોમીટર દૂર વિયાચા નગરપાલિકા વિસ્તારમાં આવેલી એક સૈન્ય બેરેકમાં આ વિસ્ફોટ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે તે વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હતો, જ્યાં ફટાકડાનો સામાન રાખવામાં આવતો હતો. આગ લાગવાનું કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

વિયાચાના હેલ્થ ડિરેક્ટર રીટા નેબ્રાસ્કાએ સ્થાનિક ટેલિવિઝનને જણાવ્યું કે આ ઘટનામાં 15 લોકોનાં મોત થયાની આશંકા છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે ઘાયલોમાંથી 14 લોકોને લા પાજની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે, જેમાં ગંભીર રીતે દાઝેલી એક યુવતીનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

વધુ એક વિસ્ફોટનો ભય

પોલીસે જણાવ્યું કે વિસ્ફોટને કારણે ડઝનબંધ ઘરોને નુકસાન થયું છે. નુકસાનનું મૂલ્યાંકન કરવા અને ઘાયલોને હેલ્થ સેન્ટરો સુધી પહોંચાડવા માટે મિલિટરી કોમ્પ્લેક્સમાં એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમો અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. હેલ્થ ડિરેક્ટર નેબ્રાસ્કાએ જણાવ્યું કે ઘટનાસ્થળે ગરમીનો સ્ત્રોત હજુ પણ હાજર છે, જેના કારણે વધુ એક વિસ્ફોટનો ભય છે. આવી સ્થિતિમાં લોકોને અહીંથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

બોલિવિયાના ડિફેન્સ મિનિસ્ટર અર્નેસ્ટો જસ્ટિનિયાનોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી 52 સામાન્ય નાગરિકો હતા, જ્યારે બાકીના મિલિટરીના લોકો હતા. તેમણે ફેસબુક પર લખ્યું કે બપોરના સમયે તે વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો, જ્યાં ફટાકડા રાખવામાં આવતા હતા. વિસ્ફોટ બાદ સોશિયલ મીડિયા પર સામે આવેલા ફૂટેજમાં ડિફેન્સ બેઝમાંથી કાળા ધુમાડાનો ગાઢ ગોટો ઊઠતો જોવા મળ્યો હતો, જે શહેરના સેન્ટરમાં આવેલો છે.

- Advertisement -

જસ્ટિનિયાનોએ જણાવ્યું કે રેસ્ક્યુ ટીમ ઘાયલોના પરિવારોને મદદ કરી રહી છે. સરકાર અને સેનાએ વિસ્ફોટના કારણોની તપાસ શરૂ કરી છે. આશરે એક લાખની વસ્તી ધરાવતું વિયાચા શહેર બોલિવિયાની એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ લા પાજથી 19 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.

Share This Article