ભારત-ચીન દિવાળીનું મીઠું મોં કરવા માટે એકમેકને મીઠાઇની આપ-લે કરશે

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 30 : લદ્દાખના દેપસાંગ અને ડેમચોકમાં ભારત અને ચીનના સૈનિકોની પાછા હટવાની પ્રક્રિયા બુધવારે પૂરી થઇ ગઇ હતી. હવે આવતીકાલે ગુરુવારે બન્ને દેશના સૈનિક દિવાળી નિમિત્તે એકમેકને મીઠાઇની આપ-લે કરશે. પાછળ હટવાની સમજૂતીનાં પાલન બાદ ટૂંક સમયમાં બન્ને દેશ પેટ્રોલિંગ શરૂ કરશે. ગ્રાઉન્ડ કમાંડરના અધિકારીઓ જલ્દી વાતચીત કરશે. ભારતીય સૈન્યનાં સૂત્રોએ પાછળ હટવાની પ્રક્રિયા પૂરી થઇ હોવાના સમાચારને સમર્થન આપી દીધું છે.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાર વર્ષથી સીમા વિવાદનાં કારણે તીવ્ર તાણ હતી. બે વર્ષ ચાલેલા ચર્ચાના લાંબા દોર બાદ તાજેતરમાં જ સમજૂતી થઇ હતી. દેપસાંગ અને ડેમચોકમાંથી બન્ને દેશની સેનાઓ પાછળ હટશે તેવી જાણકારી 18મી ઓક્ટોબરના સામે આવી હતી. તે વખતે જણાવાયું હતું કે, બન્ને સેનાઓ એપ્રિલ-2020થી પહેલાંની સ્થિતિમાં જ પાછી હટશે. કમાંડર સ્તરની બેઠકો યોજાતી રહેશે. ખાસ ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ જેટલા લાંબાગાળાથી બંને દેશો વચ્ચે જારી તાણ ગલવાન ખીણમાં સૈનિકોમાં જામેલા ભીષણ ઘર્ષણ વચ્ચે પરાકાષ્ઠાએ પહોંચી હતી. હવે સેનાઓ પાછી હટતા સંબંધોમાં સુધારાની આશા જાગી છે.

- Advertisement -
Share This Article