AAP Bihar candidates list 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે બેઠકની ફાળવણી મામલે ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં 48 નવા ઉમેદવારોની તક આપવામાં આવી છે. AAPએ 6 ઓક્ટોબરની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. નવી યાદી સાથે AAPએ અત્યારસુધી કુલ 59 ઉમેદવારોને ટિકિટ આપી છે.
રાજ્ય પ્રભારી અજેશ યાદવે જણાવ્યું કે, ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે પારદર્શિતા અને જનસમર્થન સાથે થઈ છે. અમે બિહારમાં જાતિ અને ધર્મની રાજનીતિ નથી રમી, અમે પ્રમાણિક શાસનની રાજનીતિ કરવા માગીએ છીએ. દિલ્હીનું શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલ બિહારમાં લાગુ કરી સામાન્ય પ્રજાનું જીવન બદલવાનું અમારૂ લક્ષ્યાંક છે. તેમણે દાવો કર્યો છે કે, પ્રજા હવે ખોટા વચનો અને જૂની રાજનીતિથી કંટાળી ગઈ છે. અમે બિહાર બદલવા માગીએ છીએ. અમે બદલાવનો માર્ગ પ્રમાણિક રાજનીતિ સાથે લાવીશું.
જનતાના સાચા જનસેવકો
પાર્ટીના પ્રદેશ પ્રમુખ રાકેશ યાદવે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોઈ રાજકીય પરિવારના નથી, પરંતુ જનતામાંથી પસંદ કરેલા સાચા જનસેવકો છે. અમારું ધ્યાન શિક્ષણ સુધારવા, સરકારી હોસ્પિટલોમાં સુધારો કરવા, યુવાનો માટે રોજગારી અને ભ્રષ્ટાચારમુક્ત શાસન પૂરું પાડવા પર છે. બિહારના લોકોએ દિલ્હીમાં કેજરીવાલ સરકારનું મોડલ જોયું છે અને હવે તેઓ આવી જ પારદર્શક અને જવાબદાર સરકાર ઇચ્છે છે.
આ માત્ર ચૂંટણી નહીં, એક આંદોલન
સહ-પ્રભારી અભિનવ રાયે કહ્યું કે આમ આદમી પાર્ટીનું આ અભિયાન રાજકીય દોડ કરતાં અધિક એક સામાજિક ચળવળ છે. હવે સામાન્ય માણસ નેતૃત્વ કરશે. અમે રાજકારણને લોકોના હાથમાં પાછું સોંપવા માંગીએ છીએ. પાર્ટીની બીજી યાદી જાહેર થતાં રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. હવે આમ આદમી પાર્ટી પોતાને પરંપરાગત રાજકારણના વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે અને પ્રામાણિક શાસનના વચન સાથે મેદાનમાં ઉતરી છે.