સુરતઃ 3 દિવસથી બંધ રહેલા નિલેશ કુંભાણીના ઘરના દરવાજા ખૂલ્યા, પત્ની ઘરે પહોંચી.
કોંગ્રેસના કાર્યકરોના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ નાટકીય રીતે તેમના સમર્થકોની નકલી સહીઓના કેસમાં રદ થતાં ભારે હોબાળો થયો છે. ત્યારબાદ નિલેશ કુંભાણીનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ઘરને તાળું મારીને ભાગી ગયેલા કુંભાણીના ઘરના દરવાજા આજે 3 દિવસ બાદ ખુલ્યા હતા. નિલેશ કુંભાણીની પત્નીએ ઘરનો દરવાજો ખોલ્યો હતો. હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓના સંપર્કથી બહાર હોવાનું સામે આવી રહ્યું છે.
કોંગ્રેસ સાથે રમત રમી રહેલા નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાઓ દિવસે દિવસે બદલાતી રહે છે. ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર આગળ તેમને દેશદ્રોહી અને લોકશાહીના ખૂની ગણાવતા બેનરો લગાવીને વિરોધ કર્યો હતો. આજે નિલેશ કુંભાણીની પત્ની તેમના ઘરે પહોંચી છે. આ અંગે કુંભાણી પણ વહેલી તકે આગળ આવે તેવી અપેક્ષા છે.
ફોર્મ રદ થયા બાદ કુંભાણી ગોવા જશે તેવી વાતો ચાલી રહી છે. સુત્રો જણાવી રહ્યા છે કે પરિવાર સાથે જતો કુંભાણી હવે સુરત પહોંચી ગયો છે. આજે તેમની પત્ની ઘરે આવી છે અને નિલેશ કુંભાણીના ઘરની બહાર અને નીચે સરથાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુંભાણીના ઘરે યુનિફોર્મમાં એક પોલીસ અને સાદા કપડામાં બે પોલીસકર્મી તૈનાત છે. નારાજ કોંગ્રેસના કાર્યકરોથી કુંભાણી પરિવારને જોખમ હોવાથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.