જમ્મુ-કાશ્મીરની બડગામ અને નગરોટા તથા ઝારખંડની ઘાટશિલા બેઠક માટે ભાજપના ઉમેદવારો
ભાજપે જમ્મુ-કાશ્મીરની બે બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં બડગામ બેઠક પરથી આગા સૈયદ મોહસિનને અને નગરોટા બેઠક પરથી દેવયાની રાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાજપે ઝારખંડની ઘાટશિલા (એસટી) અનામત બેઠકની પેટાચૂંટણી માટે બાબુલાલ સોરેનના નામની પણ ઘોષણા કરી છે.
ભાજપે ઓડિશા અને તેલંગાણાની એક-એક બેઠક માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ભગવા પાર્ટીએ ઓડિશાની નુઆપાડા બેઠક પરથી જય ઢોલકિયા અને તેલંગાણાની જુબિલી હિલ્સ બેઠક પરથી લંકાલા દીપક રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે.
જમ્મુ-કાશ્મીર રાજ્યસભા ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સત પાલ શર્માને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આ ચાર બેઠકો માટે ત્રણ જુદી-જુદી સૂચનાઓ બહાર પાડી છે.