Madhya Pradesh Transgender Phenyl Incident: ઇન્દોરમાં ગઈકાલે બુધવારે રાત્રે ટ્રાન્સજેન્ડર સમુદાયના લગભગ 25 લોકોએ એકસાથે ફિનાઇલ પીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલની મળતી માહિતી મુજબ 25 જેટલા ટ્રાન્સજેન્ડરોએ ફિનાઇલ પીધું હોવાથી હાલ તેઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આ ટ્રાન્સજેન્ડરો એક સાથે ફિનાઇલ પીતા હોય તેવો હચમચાવતો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ અંગે સરકાર સંચાલિત મહારાજા યશવંતરાવ હોસ્પિટલ (MYH)ના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ-ઇન-ચાર્જે PTIને જણાવ્યું હતું કે, “અમારી હોસ્પિટલમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લગભગ 25 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. તેઓએ એકસાથે ફિનાઇલ પીધું હોવાનો દાવો કર્યો છે, પરંતુ આ વાતની તાત્કાલિક પુષ્ટિ થઈ શકતી નથી.” અહીં દાખલ કરાયેલા આ ટ્રાન્સજેન્ડર દર્દીઓમાંથી કોઈની હાલત ગંભીર નહોતી અને હાલ આ તમામની હાલત સ્થિર હોવાની માહિતી ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ-ઇન-ચાર્જે આપી છે.
જ્યારે આ ઘટના વિશે ડીસીપી ઝોન-4 આનંદ કલાડગીએ કહ્યું કે, “અમને ટ્રાન્સજેન્ડરો રહેતા એક ઘરમાં હંગામો થયો હોવાની માહિતી મળી હતી. જેથી અમારા વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં ખબર પડી કે કેટલાક વ્યક્તિઓએ કોઈ અજાણ્યો પદાર્થ પીધો છે, જેના કારણે ઘણા લોકો બીમાર પડ્યા છે. જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, અને ચોવીસ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે અને સ્થિર સ્થિતિમાં છે. એકવાર તેમની તબિયત સુધરે, પછી તેમના નિવેદનો નોંધવામાં આવશે.”
જ્યારે આ ઘટના વિશે અધિક નાયબ પોલીસ કમિશનર રાજેશ દંડોટિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, “તપાસ પછી જ સ્પષ્ટ થશે કે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોએ કયો પદાર્થ અને શા માટે પીધો હતો.” જોકે અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના ટ્રાન્સજેન્ડર સમુદાયના બે સ્થાનિક જૂથો વચ્ચેના વિવાદ સાથે સંબંધિત હોઈ શકે છે. હવે આ મામલે સાચું કારણ તો તપાસ બહાર જ સામે આવશે.