બેકાબૂ બનેલા જંગલી `આદમખોર’ જેવા અમાનવીય યુદ્ધને રવિવારે 23મો દિવસ થયો છે,

newzcafe
2 Min Read

ઇઝરાયલનું માનવું છે કે યુદ્ધના બીજા દોરમાં જીત નિશ્ચિત છે


ઇઝરાયલનું માનવું છે કે યુદ્ધના બીજા દોરમાં જીત નિશ્ચિત છે 


તેલ અવીવ, તા. 29 : બેકાબૂ બનેલા જંગલી `આદમખોર’ જેવા અમાનવીય યુદ્ધને રવિવારે 23મો દિવસ થયો છે, ત્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, યુદ્ધના બીજા દોરની શરૂઆત થઇ ચૂકી છે. આ ઇઝરાયલની આઝાદીની બીજી લડાઇ છે. યુદ્ધ લાંબુ ચાલશે અને અમે જ જીતીશું. નવ હજારથી વધુ મોત થઇ ચૂક્યાં છે. જમીન પર સતત હુમલા સાથે આઇડીએફ સેના વધુ આક્રમક બની છે, ત્યારે હમાસના નેતા યાહ્યા સિનવારે કહ્યું હતું કે, અમે `તત્કાલ’ કેદીઓની અદલાબદલી માટે તૈયાર છીએ. અમે બંધકોને છોડી દઇએ જેના બદલામાં ઇઝરાયલ તેની જેલોમાં કેદ તમામ પેલેસ્ટાઇની નાગરિકોને છોડી દે તેવું હમાસ નેતાએ જણાવ્યું હતું. આખેઆખું ગાઝા શહેર યુદ્ધભૂમિમાં ફેરવાઇ ગયું છે. ઇઝરાયલની સેનાએ ગાઝામાં કમાંડ સેન્ટર, ઓબ્ઝર્વેશન પોસ્ટ અને એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ પોસ્ટ સહિત આતંકવાદી જૂથ?હમાસના 450થી વધુ સ્થળો પર નિશાન સાધીને હુમલા કર્યા હતા. દરમ્યાન, નેતન્યાહુએ ટ્વિટ કર્યું હતું કે, હમાસના હુમલાની મને કોઇએ સાતમી ઓક્ટોબરના જાણકારી જ ન આપી, સુરક્ષા દળો જવાબદાર છે. આ નિવેદનની ભારે ટીકા થયા બાદ તેમણે તરત ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું. ઇઝરાયલી વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. અમે હમાસને સાવેય ખતમ કરી નાખ્યા પછી અમારા બંધક લોકોને સલામત પાછા લાવશું. આતંકવાદી સંગઠન `હમાસ’ કાયર છે. તે અમારી સેનાના હુમલાઓથી બચવા માટે નિર્દોષ નાગરિકોને ઢાલ બનાવે છે. માનવતા અને અમારા અસ્તિત્વની રક્ષા માટે હમાસને નેસ્તનાબૂદ કરવું પડશે તેવું તેમણે ઉમેર્યું હતું. સાત ઓક્ટોબરથી શરૂ થયેલાં યુદ્ધમાં અત્યાર સુધી નવ હજારથી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાની અપીલ છતાં ઇઝરાયલ યુદ્ધ રોકતું નથી. રાતભર, દિવસભર બોમ્બ હુમલાથી ધણધણી ઊઠેલા ગાઝામાં લાખો લોકો બેઘર બની, આંખની સામે મોતને નાચતું જોઇ, અજંપામાં જીવી રહ્યા છે.

Share This Article