કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી અંગદાન અંગે જાગૃતિ આવી છે,

newzcafe
3 Min Read

45 મિનિટમાં દાન કરેલ હૃદય કચ્છથી અમદાવાદ પહોંચાડાયું


ગાંધીધામ, તા. 6 : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી અંગદાન અંગે જાગૃતિ આવી છે, અત્યાર સુધી ભુજ અને ગાંધીધામમાં કિડની, લીવર સહિતના  અંગોનાં દાન કરાયાં છે, પરંતુ કચ્છમાં  પ્રથમ વખત આદિપુરની ખાનગી હોસ્પિટલ ખાતેથી ગાંધીધામના બેનડેડ જાહેર થયેલા યુવાનના હૃદયનું ડોનેશન કરાયું હતું. નિયત સમયમર્યાદા કરતાં પણ પહેલાં અમદાવાદ પહોંચાડાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ અંગ પણ ગ્રીન કોરીડોર રચીને પહોંચાડાયાં હતાં. હતભાગી યુવાનના પરિવારજનોના નિર્ણયથી  ચાર  માનવજિંદગીને મોતના મુખમાંથી ઉગારવામાં આવી હતી. 


 


ગાંધીધામના સેકટર 7 વિસ્તારમાં રહેતા હતભાગી યુવાન 25 વર્ષીય સુનીલ વાલજીભાઈ વિંઝોડાની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ન્યૂરોસર્જન ડો. પ્રસાદ ટેમકરન અને તેમની ટીમે સઘન સારવાર કરી હતી. જો કે,  યુવાનને બ્રેનડેડ જાહેર કરાયો હતો. 


 


પિતા વાલજીભાઈ અને પરિવારજનોએ તાત્કાલિક નિર્ણય કર્યો અને હોસ્પિટલ દ્વારા આઈ.કે.ડી.નો સંપર્ક કરીને ઓપરેશન માટેની તૈયારી કરી હતી. અમદાવાદથી રાત્રે આઈ.કે.ડી.ના તબીબોની ટીમ આવી પહોંચી હતી અને યુવાનનું ધબકતું હૃદય ગ્રીન કોરીડોર રચીને અમદાવાદ  વિમાન માર્ગે લઈ જવાયું હતું. હૃદય લઈ જવાયું ત્યારે હોસ્પિટલ પરિસર સુનીલ વિંઝોડા અમર રહોના નારાથી ગુંજી ઉઠયું હતું. 


 


ત્યાર બાદ કિડની અને લીવરને પણ રોડ માર્ગે અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર રચીને ચારથી પાંચ કલાકના ગાળામાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી દેવાયાં હતાં. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખે  ભાવુક થતાં કહ્યું હતું કે, સુનીલ ગયો નથી છે, તેના અંતિમ સંસ્કાર પહેલાં જ તેનું હૃદય 50 વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ થશે એ એક મોટી ઘટના હોવાની લાગણી વ્યકત કરી હતી. આપણે એક મૃત્યુ તો ન ટાળી શકયા, પરંતુ પિતા વેલજીભાઈના  નિર્ણયથી ચાર વ્યક્તિ જે મૃત્યુના આરે હતી, તેને મોતમાંથી ઉગારી શકયા હોવાનું કહ્યું હતું.  તેમણે ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં અગાઉ ત્રણ અંગદાન થયા હોવાનું અને વર્ષ?2024નું પ્રથમ અંગદાન થયું હોવાનું જણાવ્યું હતું. 


 


અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ધવલ આચાર્ય,  નવીનભાઈ,  રામજીભાઈ, પુનમભાઈ, રણજિતભાઈ, કુમારભાઈ, ડો. કિશન કટુઆ, ડો.અરવિંદ માતંગ, ડો. સુનીલ સૂર્યવંશી,  જે.પી. મહેશ્વરી, રામ માતંગને મૃતકના પરિવારજનોએ અંગદાનની ઈચ્છા જણાવી હતી. ડિવાઈન લાઈફ હોસ્પિટલના અશોક હીરાણી, જયેશ સોલંકી, વિજેશભાઈ, પપીતકુમાર, ગુલાબભાઈ, ઓ.ટી. ટીમ, ધર્મેન્દ્રભાઈ, ડો. નિલેશ પટેલ, ડો. ભૂપેન્દ્ર, ડો. પિયૂષ પટેલ, આઈસીયુ નર્સિંગ ટીમ અને સીમ્સના તબીબો દ્વારા હાર્ટનું અને આઈકેડી હોસ્પિટલના તબીબો દ્વારા લીવર, કિડનીનું ઓપરેશન કરાયું હતું. ટ્રાફિક પી.એસ.આઈ.  એસ.વી. ડાંગર હોસ્પિટલથી કંડલા એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાઈ હતી. લીવર, કિડની અમદાવાદ પહોંચાડવા માટે જિલ્લા ટ્રાફિક  પી.એસ.આઈ. બી.એસ. ચૌહાણે મોટા રૂટમાં પાયલોટિંગ કર્યું હતું. સમગ્ર આયોજનમાં હોસ્પિટલના સેન્ટર હેડ આલાપ જોબનપુત્રા સહયોગી બન્યા હતા.

Share This Article