Bahucharaji made a municipality: રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બહુચરાજીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં આવેલા બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતના સ્થાનિક વિસ્તારને હવેથી નાના શહેરી વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સાથે જ બહુચરાજી હવેથી ‘બેચર-બહુચરાજી મ્યુનિસિપાલિટી’ તરીકે ઓળખાશે અને કાર્યરત થશે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ‘ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, (1964નો ગુજરાત 34) 1963’ની કલમ 5(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ જાહેરનામું આજરોજ, એટલે કે 17 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યું છે.
જાહેરનામામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેચર-બહુચરાજી નગરપાલિકાના સ્થાનિક વિસ્તારમાં આવેલી સરકારી જમીનોનો સમાવેશ નગરપાલિકામાં કરવામાં આવશે નહીં, તે રાજ્ય સરકાર હસ્તક જ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામના ધાર્મિક અને આર્થિક મહત્વને ધ્યાનમાં રાખીને સુનિયોજિત વિકાસ માટે રાજ્ય સરકારે ઓક્ટોબર 2023માં ‘બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (BADA)’ની રચના કરી હતી. બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય એ દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.