અદાણી પોર્ટ્સ સતત નવા વિક્રમોની વણજાર સર્જી રહ્યું છે
મુંદરા, તા. 24 : ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ સતત નવા વિક્રમોની વણજાર સર્જી રહ્યું છે. દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડએ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે.
ભારતમાં કોઈપણ ટર્મિનલ ખાતે સૌ પ્રથમવાર સર્વાધિક ટીઈયુ, જહાજોનું સંચાલન અને ઓછામાં ઓછો ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરવાની નોંધપાત્ર સિદ્ધિ સાથે પોર્ટે એ નામ રોશન કર્યું છે. ગ્રૂપની નોંધપાત્ર એન્ટિટી અદાણી પોર્ટ કુશળતામાં ઉત્તરોત્તર પ્રગતિ દર્શાવી નવા કિર્તીમાન સ્થાપી રહ્યું છે. મુંદરા પોર્ટે 11મી માર્ચ ’24ના 3938 જહાજોના પાછલા નાણાકીય વર્ષના રેકોર્ડને વટાવીને 4000 જહાજોનું સફળ સંચાલન કરીને ફરી એકવાર એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. અત્યાર સુધીમાં અદાણી પોર્ટ દ્વારા હેન્ડલ કરાયેલો આ રેકોર્ડ વેસલ્સનો જથ્થો છે.તાજેતરમાં અદાણી પોર્ટે 70 લાખ કન્ટેનર હેન્ડલનો આંક પાર કરીને ઈતિહાસ રચ્યો હતો.
ભારતમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ પોર્ટ પર નોંધાયેલી આ સૌથી વધુ સંખ્યા છે. વેપાર વાણિજ્યની ગતિવિધિઓના પ્રવેશદ્વાર તરીકે ઊભરતા અદાણી પોર્ટે મલ્ટિમોડલ હબ તરીકે વેપારને વેગવાન અને આર્થિક પ્રગતિનો પાયો મજબૂત બનાવ્યો છે. ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરી તેને પહોંચી વળવા મેનેજમેન્ટ, તમામ ટર્મિનલ્સના હેડ, સપોર્ટ વિભાગ, બીડી ટીમ અને પ્લાનિંગ ટીમ સહિયારા પ્રયાસોથી આ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 24-25માં અદાણી પોર્ટ આ રેકોર્ડ તોડવા હજુ વધુ જહાજોને સુરક્ષિત રીતે લાંગરવાની મહત્વકાંક્ષા ધરાવે છે. શ્રેષ્ઠ સુવિધાઓ અને વ્યૂહાત્મક ફાયદાઓ તેને મુખ્ય વૈશ્વિક શાપિંગ લાઇન્સ માટે પસંદગીની પહેલી હરોળમાં મૂકે છે.
દેશના સૌથી મોટા વ્યાપારી બંદર તરીકે અદાણી પોર્ટ કોલસા, કુદરતી ગેસ અને ઓટો ટર્મિનલ સહિતની સૌથી વિશાળ અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. તેનો ઊંડો ડ્રાફ્ટ અને બારમાસી હવામાન ક્ષમતાઓ કાર્ગો હેન્ડલ કરાવવા ન્યૂનતમ ટર્નઅરાઉન્ડની ખાતરી આપે છે. અદાણી પોર્ટના ટર્મિનલ – 3એ 30 લાખ ટીઈયુનો આંક પાર કર્યો હતો. ભારતમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ ટર્મિનલ પર નોંધાયેલી આ સૌથી વધુ સંખ્યા છે. અદાણી પોર્ટ પર 70 લાખથી વધુ ટીઈયુને હેન્ડલ કરવાના સીમાચિહ્ન સુધી પહોંચવું એ મેરીટાઇમ ઉદ્યોગમાં એક નોંધપાત્ર સિદ્ધિ છે.
