Ahmedabad Bapunagar Election Controversy: અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડના બેલેટ પેપર સાથે છેડછાડનો કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ, રામધૂન બોલાવી ઓફિસ બહાર ધરણાં શરૂ કર્યા

Arati Parmar
2 Min Read

Ahmedabad Bapunagar Election Controversy: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીંની હોમગાર્ડ ઓફિસમાં ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં જ બેલેટ પેપર પર સિક્કા મારવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. લોકશાહીના પવિત્ર પર્વમાં આ પ્રકારની બેદરકારી સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓની હાજરી વિના મતદાનની પ્રક્રિયા હાથ ધરવી એ નિયમોનું ઉલ્લંઘન છે.

અધિકારીઓ ગાયબ અને ખુલ્લા બેલેટ પેપર મળ્યા

ઘટનાની વિગત મુજબ, હોમગાર્ડ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ મતદાન મથક પર પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ પણ ચૂંટણી અધિકારી હાજર નહોતા. આશ્ચર્યની વાત એ હતી કે બેલેટ પેપરો કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના ખુલ્લા કવરમાં પડ્યા હતા. આરોપ છે કે હોમગાર્ડ જવાનોની ગેરહાજરીમાં જ તેમના નામના બેલેટ પેપર પર બારોબાર સિક્કા મારી દેવામાં આવ્યા હતા, જે ચૂંટણીની નિષ્પક્ષતા સામે મોટા સવાલો ઊભા કરે છે.

- Advertisement -

કોંગ્રેસના ઉમેદવારના ધરણાં અને રામધૂન

આ ગેરરીતિ સામે આવતા જ કોંગ્રેસના ઉમેદવાર અને તેમના સમર્થકોએ હોમગાર્ડ ઓફિસની બહાર જ ધરણાં શરૂ કરી દીધા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રામધૂન બોલાવીને તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી રહી છે. આ મામલે પુરાવાઓ એકત્ર કરીને રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ સોંપવામાં આવી છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

નિષ્પક્ષ ચૂંટણી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

અગાઉ પણ એવી રજૂઆતો થઈ હતી કે રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોમગાર્ડના હોદ્દેદારોને ચૂંટણીની કામગીરીથી દૂર રાખવા જોઈએ. આમ છતાં, આવી ઘટના બનતા સુરક્ષા અને નિષ્પક્ષતાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. લોકશાહીમાં પારદર્શક મતદાન એ પાયાની જરૂરિયાત છે, પરંતુ અધિકારીઓની ગેરહાજરીમાં બેલેટ પેપર સાથે થયેલી આ ચેડાંની ઘટનાએ મતદારોમાં પણ રોષ જગાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ ગંભીર બેદરકારી બદલ કેવા પગલાં લે છે.

- Advertisement -
Share This Article