Arms license Scam: ગુજરાતમાં બોગસ હથિયાર લાઈસન્સ કૌભાંડ, મંત્રીપુત્રથી કલાકારો સુધી રાજકીય દબાણથી તપાસ અટવાઈ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Arms license Scam: ગુજરાતમાં નાગાલેન્ડ-મણિપુરથી બોગસ હથિયાર લાઈસન્સ મેળવવાનો વેપલો ધમધમી રહ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે, વનમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ બોગસ હથિયાર લાઈસન્સ મેળવ્યુ છે. મંત્રીના પુત્ર ઉપરાંત ડાયરાના કલાકારો, બિલ્ડરો, વેપારી, બિલ્ડરો ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંતાનોએ પણ બોગસ હથિયાર લાઈસન્સ મેળવ્યાં છે. જેના કારણે આખીય પોલીસ તપાસ ખોરંભે ચડી છે. હવે સવાલ એ ઊઠ્યો છે કે, નાગાલેન્ડ-મણિપુરથી બોગસ હથિયાર લાઇસન્સ મેળવનારાં મોટા ગજાના લોકોને નહી પકડવા કોનુ રાજકીય દબાણ છે.

68 મોટા ગજાના લોકોને ન પકડવા કોનું રાજકીય દબાણ                         

- Advertisement -

નાગાલેન્ડ-મણિપુરમાં ખોટા દસ્તાવેજો આધારે બોગસ હથિયાર લાઈસન્સ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે અત્યાર સુધી 40 લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. જો કે, વનમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ બોગસ હથિયાર લાઈસન્સ મેળવ્યુ છે તેવુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે. મંત્રીના પુત્રએ ઓલપાડ પોલીસ સ્ટેશનને બદલે જહાગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરિફિકેશન કરાવ્યું? આ ઉપરાંત જહાગીરપુરા પોલીસ સ્ટેશને નાગાલેન્ડથી અહેવાલ મંગાવ્યો કે કેમ? સુરતમાં રહેતાં મંત્રીપુત્રએ નાગાલેન્ડના રહીશ હોવાનો ઉલ્લેખ કરીને શું ખોટું સોગંધનામુ કર્યુ છે શું? આ બઘા સવાલ ઊઠ્યાં છે.

મંત્રીના પુત્રને બચાવવા ભાજપે જ આખોય ખેલ કર્યો છે ત્યારે એવી માંગ કરાઇ છે કે, જો મંત્રીપુત્ર વિશાલ પટેલના કોલ ડિટેઇલ અને ભાડા કરારની તપાસ કરવામાં આવે તો હજુ ઘણાં ચોકાવનારાં ખુલાસા થઈ શકે છે.બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાની આખીય મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે ત્યારે હજુ મોટા ગજાના 68 લોકોની ધરપકડ કરવામાં આવી નથી જેના પગલે પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે.

સમગ્ર કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચે તેમ છે. ખોટા દસ્તાવેજો આધારે બોગસ લાઈસન્સ લઈ હથિયાર ખરીદવામાં ડાયરાના કેટલાંક જાણીતા કલાકારોના નામો પણ ખુલ્યાં છે. સરકારી કાર્યક્રમમાં સરકારની જ ભાટાઇ કરનારાં કલાકારો પર કાયદાનો સકંજો કસાય તેમ છે ત્યારે આ બધાય કલાકારોએ ગાંધીનગરનું રાજકીય શરણ લીઘુ હોવાની ચર્ચા છે. માત્ર મંત્રીપુત્ર જ નહીં, કલાકારો, બિલ્ડરો, વેપારી,રાજકારણી ઉપરાંત અધિકારીઓના સંતાનોએ બોગસ લાઇસન્સ મેળવ્યાં છે ત્યારે રાજકીય દબાણ આધારે આખીય તપાસ ખોરંભે ચડાવાઇ છે.

Share This Article