Gujarat High Court passport ruling: પાસપોર્ટને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આદેશ કરાયો કે, ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ દસ વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે છે. ટ્રાયલ કોર્ટ દ્વારા વિદેશ જવા અંગેની શરતો લાદી શકાય છે. પરંતુ, પાસપોર્ટ વિભાગ પાસે આવી કોઈ સત્તા નથી.
બંધારણના અનુચ્છેદ 21નું કર્યું અવલોકન
ગુજરાત હાઈકોર્ટે બંધારણના અનુચ્છેદ 21નું અવલોકન કરતા કહ્યું કે, વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ બંધારણનો મૂળભૂત અધિકાર છે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની છે. આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે, તેના આધારે પાસપોર્ટ રિન્યુ કરવો કે નહીં તે અંગેનો નિર્ણય કરવાનો અધિકાર પાસપોર્ટ ઓફિસનો નથી. આ સિવાય હાઈકોર્ટે નોંધ્યું કે, કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા પાસપોર્ટ એક્ટ હેઠળના નિયમોનું અર્થઘટન કરવામાં આવે.
હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
નોંધનીય છે કે, અત્યાર સુધી કેન્દ્ર સરકારના જાહેરનામાંનું અર્થઘટન કરીને પાસપોર્ટ વિભાગ દ્વારા ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર એક વર્ષ માટે જ પાસપોર્ટ રિન્યુ કરવામાં આવતો હતો. અરજદાર અદાલતમાં જાય તો ત્રણથી પાંચ વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થતા હતાં. જોકે, હવે પહેલીવાર ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, પાસપોર્ટ રિન્યુ દસ વર્ષ માટે થવો જોઈએ.
જીવન અને વ્યક્તિ સ્વાતંત્રતા હેઠળ મૂળભૂત અધિકાર
આ પહેલાં 1978માં મેનકા ગાંધી કેસ વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા પાસપોર્ટ વિભાગની જવાબદારી અને નિયમો વિશે જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે બંધારણના અનુચ્છેદ 21ને ધ્યાને રાખી પાસપોર્ટ વિભાગને સામેની વ્યક્તિને સાંભળ્યા વિના કે, યોગ્ય કારણ જણાવ્યા વિના પાસપોર્ટ રદ ન કરવાનું જણાવ્યું હતું. તે સમયે અદાલતે વિદેશ જવું તે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા હેઠળ મૂકી પાસપોર્ટ વિભાગને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ પાસપોર્ટ વિભાગને લઈને આ મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.