Fire in Ahmedabad : હાલ રાજ્યમાં વધતી જતી ગરમીની સાથે આગ લાગવાની ઘટનાઓના બનાવ પણ વધતા જાય છે. ત્યારે આજે અમદાવાદ શહેર 5 અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેમાં અમદાવાદના ચંડોળા અને વટવા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી, પ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ, વટવા જીઆઇડીસી ફેઝ-4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
પ્રહલાદનગરમાં લાગી આગ, અનેક વાહનો બળીને ખાક
પ્રહલાદ નગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી. આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આગની ઘટનામાં અનેક વાહનો બળી ગયા હતાં. વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી. ફાયર વિભાગ આગ ઓલવ્યા બાદ આગ લાગવાના કારણ વિશે તપાસ હાથ ધરશે. હાલ, આગ લાગવાનું કારણ અકબંધ છે.
પ્રાથમિક તપાસ મુજબ, આગ ભારે ગરમીને કારણે પાર્ક કરેલા ટુ વ્હીલરમાંથી લાગી હોવાનું માનવામાં આવે છે. પાર્કિંગ અને ટુ વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક 8થી વધુ ટુ વ્હીલર આગની ચપેટમાં ગયા હતા. જો કે સદનસીબે રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા સમયસર જાણ કરવામાં આવતાં અન્ય વાહનોને ખસેડી લેવામાં આવ્યા હતા.
અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આગને કાબુમાં લેવા માટે ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી લીધી છે. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિના અહેવાલ નથી.
વટવા GIDCમા ભીષણ આગ
અમદાવાદની વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તાર અને વટવા GIDC ફેઝ-4માં આવેલી જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસની 4થી 5 કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રાયસો શરૂ કર્યા.
ચંડોળા ખાતે કાટમાળમાં આગ
એક બાજુ છેલ્લાં ત્રણથી ચાર દિવસથી ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવામાં જે ઘર તોડ્યા તેનો કાટમાળ હજુ ત્યાં જ પડ્યો છે. ત્યારે આ કાટમાળમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાપડ, પ્લાસ્ટિક અને લાકડા સહિતના સામાનમાં આગ લાગી છે. જોકે, હાલ ત્યાં ફક્ત કાટમાળ હતો તેથી જાનહાનિના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક તબક્કે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.