Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 8 મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 5-6 મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે.
5 દિવસમાં કરા, પવન ફૂંકાવો, મેઘગર્જના સાથે હળવાથી ભારે કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 0.9 કિ.મી. ઉપર છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની આગાહી છે. જેમાં આવતીકાલે રવિવારે (4 મે, 2025) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.