Ahmedabad Thaltej Building Fire: અમદાવાદના પોશ થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કની પાંચ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં સોમવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા.
આગ કંપનીના બીજા માળે આવેલા વીજળીના કેબલ ડક્ટમાં લાગી હતી અને જોતજોતામાં ફર્નિચરમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ચારે તરફ ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો. આગ જોઈને જીવ બચાવવા માટે બે લોકો બીજા માળની બારીમાંથી નીચે કૂદી પડ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હતો.
ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ પહોંચી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરીને છ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.
ફાયર બ્રિગેડના અધિકારી જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે થલતેજ સ્થિત મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં વીજળીના કેબલ ડક્ટમાં આગ લાગવાની જાણ થયા બાદ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની 12 ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં તહેનાત કરવામાં આવી હતી.
બિલ્ડિંગમાં 40 લોકો હાજર હતા
પાંચ માળની ઇમારતના બીજા માળે આગ લાગી હતી, જેના કારણે પહેલા અને બીજા માળને સૌથી વધુ અસર થઈ હતી. તે સમયે બિલ્ડિંગમાં લગભગ 40 લોકો હાજર હતા, જેમાં મોટાભાગના કર્મચારીઓ હતા.
ફાયર કર્મચારીઓ પહોંચે તે પહેલાં જ ઘણા લોકો પોતાની રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે ત્યારબાદ AFESની ટીમોએ છ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બોડકદેવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંદીપ ખંભાલિયાએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે થલતેજ વિસ્તારમાં આવેલી ચાર માળની ‘મેગ્નેટ કોર્પોરેટ પાર્ક’ બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં આગ લાગી હતી.
ખંભાલિયાએ જણાવ્યું હતું કે 23 વર્ષીય રચિત પટેલનું બિલ્ડિંગના બીજા માળેથી કૂદવાને કારણે થયેલી ઇજાઓથી મોત થયું હતું. મૃતક પટેલ રાજકોટનો રહેવાસી હતો. અન્ય એક યુવક ગભરાટમાં બિલ્ડિંગમાંથી કૂદી પડ્યો હતો, જે ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેના લીધે ઓફિસનો સામાન અને ફર્નિચર બળીને નુકસાન પામ્યાં હતાં.

