Anti Ragging Awareness Bharuch: ભરૂચમાં મેડિકલ કોલેજ ખાતે એન્ટી રેગિંગ વ્યાખ્યાન યોજાયું
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચ:
શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ જેવી સામાજિક કુપ્રથાને નાબૂદ કરવા અને વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ લાવવાના હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્વારા ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એન્ટી રેગિંગ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે જણાવ્યું હતું કે, રેગિંગ કોઈ મજાક કે પરંપરા નહીં પરંતુ ગંભીર કાનૂની ગુનો છે. રેગિંગના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, શૈક્ષણિક કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ પર ગંભીર પ્રતિકૂળ અસર થાય છે. તેમણે યુજીસીની એન્ટી રેગિંગ માર્ગદર્શિકા, મેડિકલ કાઉન્સિલ (પ્રિવેન્શન એન્ડ પ્રોહિબિશન ઓફ રેગિંગ) રેગ્યુલેશન્સ-૨૦૦૯ તેમજ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કોલેજના ડીન અને ફેકલ્ટી સભ્યોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, રેગિંગથી સર્જાતા માનસિક, સામાજિક અને શૈક્ષણિક દૂષ્પરિણામોને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થીએ રેગિંગમુક્ત કેમ્પસ નિર્માણમાં સક્રિય સહભાગી બનવું જોઈએ. આ પ્રસંગે ડૉ. પરાગ પંડ્યાએ જણાવ્યું હતું કે, “રેગિંગ કોઈ માટે ક્ષણિક મજા હોઈ શકે, પરંતુ ભોગ બનનાર માટે તે જીવનભરની સજા બની શકે છે.” તેમણે ઉમેર્યું હતું કે રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અભ્યાસમાં મન લગાવી શકતા નથી, અન્ય વિદ્યાર્થીઓથી દૂર થઈ જાય છે અને ઘણી વખત ડિપ્રેશન જેવી ગંભીર માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી દરેક વિદ્યાર્થીએ રેગિંગથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. વ્યાખ્યાન દરમિયાન વિદ્યાર્થીઓને રેગિંગની વ્યાખ્યા, તેના વિવિધ પ્રકારો, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા, સંસ્થાની એન્ટી રેગિંગ કમિટીની કામગીરી તેમજ રેગિંગ કરનાર સામે થતી કાયદાકીય કાર્યવાહી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ રેગિંગનો સંપૂર્ણ ત્યાગ કરી સુરક્ષિત, સમાનતાપૂર્ણ, સન્માનજનક અને સકારાત્મક શૈક્ષણિક વાતાવરણ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

