Aravalli Poshan Ahar Scam: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામિણ પંથકમાં સરકારી પોષણયુક્ત આહારના કાળાબજાર કરવાનું એક બહુ મોટું કૌભાંડ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોડાસાના સાકરિયા ગામ પાસેથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ પિકઅપ ડાલા વાહનને સ્થાનિક જાગૃત નાગરિકોએ શંકાના આધારે રોક્યું હતું. વાહનની અંદર તપાસ કરતા જ નાગરિકોના હોશ ઊડી ગયા હતા, કારણ કે તેમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના ગરીબ બાળકો અને સગર્ભા બહેનોને મફત વિતરણ કરવા માટેનો અનાજનો મોટો ગેરકાયદેસર જથ્થો છુપાવેલો હતો.
મહીસાગરથી લોડ થયેલી ૩૦૫ બોરી મોડાસાના વેપારીને આપવાની હતી, ડ્રાઈવર શાહરૂખની કબૂલાત
નાગરિકોની તકેદારીના પગલે ઝડપાયેલા GJ-18-UU-3549 નંબરના આ પિકઅપ ડાલામાંથી ‘ટેક હોમ રાશન’ (THR) નો સરકારી ફોર્ટિફાઇડ ફૂડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. ગાડીમાંથી ૧૦ કિલોના પેકિંગવાળી બાલ શક્તિની ૨૦૦ બોરી, માતૃ શક્તિની ૧૦૦ બોરી અને સત્વ આટાની ૫ બોરી મળીને કુલ ૩૦૫ બોરીઓ મળી આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા ડ્રાઈવર શાહરૂખ દિવાને કબૂલાત કરી છે કે, આ આખો સરકારી જથ્થો તે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાલભોગ ગોડાઉનમાંથી ચોરીછૂપીથી ભરી લાવ્યો હતો અને મોડાસાના કોઈ ઝાકીરભાઈ મેમણ નામના શખ્સને ડીલિવરી આપવાનો હતો.
આઈસીડીએસ વિભાગની ફરિયાદના આધારે FIR દાખલ, બનાસ ડેરીના માર્ક વગરનો જથ્થો મળતા તંત્ર એક્શનમાં
આ ગંભીર કૌભાંડ સામે આવતા જ મોડાસા રૂરલ પોલીસ અને આઈસીડીએસ (ICDS) વિભાગ હરકતમાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના ડીવાયએસપી જે.ડી. વાઘેલા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષા બારોટે જણાવ્યું કે, સામાન્ય રીતે અરવલ્લીમાં બનાસ ડેરીના માર્કવાળું રેશન વિતરણ થાય છે, પરંતુ આ પકડાયેલો જથ્થો બનાસ ડેરીનો નથી. આ મામલે સીડીપીઓ (CDPO) ઘટક-૨ ની ફરિયાદના આધારે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી વાહન અને તમામ ૩૦૫ બોરીઓ જપ્ત કરી છે. આ તરફ કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે સરકારી બાબુઓની મિલીભગતની આશંકા વ્યક્ત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

